Sardar Sarovar Narmada Dam: નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી વધેલી પાણીની આવકને કારણે ઝડપથી ભરાઈ રહ્યો છે. માત્ર એક જ દિવસમાં ડેમની સપાટી 2 મીટર વધીને હાલ 130 મીટર સુધી પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ ડેમને સલામત લેવલ પર રાખવા માટે તૈયારી શરૂ કરી છે.
5 ગેટ ખોલવામાં આવ્યા
જળસંચયના નિયમિત સ્તરને જાળવવા માટે તંત્રએ નિર્ણય લીધો છે કે આજે સવારે 11 વાગ્યે ડેમના 5 ગેટ ખોલવામાં આવશે. આ 5 ગેટમાંથી કુલ 1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. પાણી છોડવાના પગલે નદીના કાંઠે આવેલા વિસ્તારમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થશે. હાલમાં ઉપરવાસમાંથી 4,23,789 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે, જ્યારે જાવક માત્ર 41,026 ક્યુસેક છે. આ કારણે ડેમનો પાણી સ્તર ઝડપથી વધી રહ્યો છે.
આ પણ વાંચો
27 ગામને એલર્ટ કરાયા
તંત્રએ પહેલેથી જ નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને ચેતવણી આપવામાં આવી છે કે નદીકાંઠે રહેવાસીઓ સાવધાની રાખે, નદીકાંઠે ન જાય અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસી જાય.
નદીના પ્રવાહને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ અને તંત્ર સંપૂર્ણ સતર્ક છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે, સત્તાવાર સૂચનાઓનું પાલન કરે અને જરૂરી સાવચેતી રાખે. નર્મદા ડેમના ગેટ ખોલ્યા બાદ પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે, તેથી કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે આ એલર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હાલમાં ડેમની સ્થિતિ
સમય - 1/30 કલાક
મહત્તમ સપાટી – ૧૩૮.૬૮ મીટર
હાલની સપાટી – ૧૩૧.૦૦ મીટર
ગ્રોસ સ્ટોરેજ – ૭૧૫૧.૬૭ MCM
પાણીનો સંગ્રહ - ૭૫.૬૦%
પાણીની આવક - ૪,૨૨,૪૯૫ ક્યુસેક
નદીમાં પાણીની જાવક – ૮૫,૩૬૭ ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – ૪,૧૯૦ ક્યુસેક
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૨.૭૧ સે.મી. નો વધારો
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૬.૫૭% નો વધારો
હાલમાં ડેમના 5 દરવાજા 2 મીટર ખુલ્લા
આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ સવારે 8 કલાકથી લગભગ 2.86 લાખ ક્યુસેક પાણી છોડાવાની જાહેરાત.