Narmada: સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો, સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા ભરાઈ જતાં તેને વૉર્નિંગ સ્ટેજમાં મૂકવામાં આવ્યો છે. નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠાના ગામો એલર્ટ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 31 Jul 2025 11:17 PM (IST)Updated: Thu 31 Jul 2025 11:17 PM (IST)
narmada-news-first-time-in-season-sardar-sarovar-dam-10-gates-open-for-2-meter-576867
HIGHLIGHTS
  • ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમ છલોછલ
  • સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટર પર પહોંચી ગઈ

Narmada: મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા ગુજરાતની જીવદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ વધતી આવકને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ 2025ના રોજ સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરથી ઉપર પહોંચી ગઈ છે, જે ઓવરફ્લો લેવલથી માત્ર 7 મીટર ઓછું છે. અને ડેમનો સર્વોચ્ચ જળસ્તર 138.68 મીટર નક્કી કરવામાં આવ્યો છે

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના કારણે તેને ‘વોર્નિંગ સ્ટેજ’માં મૂકવામાં આવ્યો છે. તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. નર્મદા નદીના કાંઠે આવેલા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ગામોને આગાહી કરીને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

હાલ ડેમમાં 4,22,495 ક્યુસેક પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે. પાણીનો કુલ સંગ્રહ 75.60% સુધી પહોંચી ગયો છે, જે 7151.67 MCM બરાબર છે. વધતી આવકને નિયંત્રિત કરવા માટે ડેમમાંથી 85,367 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનાલોમાં 4,190 ક્યુસેક પાણી વહેંચાઈ રહ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, સાથે જ પાણીના સંગ્રહમાં પણ 6.57%નો ઉછાળો જોવા મળ્યો છે. ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું હોવાથી નર્મદા ડેમનો સ્તર ધીમે ધીમે વધી રહ્યો છે. હાલ પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ડેમના પાણીનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે પણ થઈ રહ્યો છે. હાલ RBPH (રિવરબેડ પાવર હાઉસ)ની ટર્બાઇન ધમધમી રહી છે અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) પણ કાર્યરત છે, જેના કારણે વીજ ઉત્પાદન શરૂ છે.

સ્થાનિક વહીવટીતંત્રે નર્મદા કાંઠાનાં ગામોને નદી કિનારે ના જવા અને સાવચેતી રાખવા માટે ચેતવણી આપી છે. પાણીના વધતા પ્રવાહને કારણે તંત્ર 24 કલાક સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.