Narmada: ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની ચાર્જશીટ પહેલાંની નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતા. આ માટે જસ્ટિસ મેગડેની કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટના વકીલો કાર્યથી અલિપ્ત રહેતા. જેના પરિણામે સુનાવણી શક્ય ના બનતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ ગયો છે.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નર્મદા સેશન્સ કોર્ટે ફગાવી દેતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે આજની સુનાવણી પણ વકીલોની હડતાળના કારણે સ્થગિત થઈ ગઈ છે. એવામાં આગામી તારીખ નક્કી થયા બાદ મામલો આગળ વધશે, ત્યાં સુધી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે.
જણાવી દઈએ કે, ચૈતર વસાવા પર ડેડિયાપાડામાં એક બેઠક દરમિયાન ભાજપ કાર્યકરો સામે અપમાનજનક શબ્દો વાપરવા, તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલાનો પ્રયાસ કરવાના આરોપ હેઠળ દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને 5 જુલાઈના રોજ તેમની ધરપકડ કરી હતી.
બીજી તરફ ચૈતર વસાવા વિરુદ્ધ પહેલાથી અનેક ફોજદારી કેસો ચાલી રહ્યા છે. જેના આધારે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવાનો ઈનકાર કરતાં તેમના સમર્થકોમાં નિરાશા છવાઈ ગઈ છે. હવે સૌ કોઈની નજર હાઈકોર્ટની આગામી સુનાવણીની તારીખ પર રહેશે.