Narmada: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન પર છૂટકારો મળવાની શક્યતા હજુ દૂર છે. ગુજરાત હાઇકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરતા કોર્ટએ આગળની સુનાવણી માટે 28 ઑગસ્ટ 2025ની તારીખ નક્કી કરી છે.
હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 5 જુલાઈના રોજ દેડિયાપાડામાં યોજાયેલી બેઠક દરમિયાન મહિલા કાર્યકર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલો કરવાનો, અપમાનજનક ભાષા વાપરવાનો અને ગ્લાસના ટૂકડા વડે જીવલેણ ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે 6 જુલાઈના રોજ ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.જે બાદ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે. અગાઉ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી હતી. આ સમયે કોર્ટે નોંધ્યું હતું કે, 2014 બાદ ચૈતર વસાવા વિરુદ્ધ 18 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેઓ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
જે બાદ ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જે અંતર્ગત રક્ષાબંધન પૂર્વે 5 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજી પણ સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી. જો કે તે દિવસે સ્ટેટ ઑફ ગુજરાતની અરજીનો ક્રમ 87 હોવા છતાં બોર્ડની કાર્યવાહી 76 નંબર સુધી જ પહોંચી હતી. આખરે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી શક્ય ના બનતા 13 ઓગસ્ટ પર મુલતવી રખાઈ હતી.
જે બાદ આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તારીખ આપવા વિનંતી કરી હતી. હવે આગામી 28 ઓગસ્ટના રોજ બન્ને પક્ષોની દલીલો બાદ સ્પષ્ટ થશે કે, ચૈતર વસાવાને જામીન પર મુક્તિ મળશે કે કેમ? જો કે એકવાત ચોક્કસ છે કે, રક્ષાબંધન બાદ આપ નેતાની જન્માષ્ટમી પણ જેલમાં જ વીતશે.