Narmada Dam water level 2025: દેશ સહિત રાજ્યમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને જાણે વિઘ્નહર્તાએ ગુજરાત પરથી જળસંકટનું વિઘ્ન દૂર કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં હાલ 91.66% પાણીનો જથ્થો છે, અને તેની જળ સપાટી 136.16 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં 89,541 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમમાંથી 45,363 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટિમીટરનો વધારો થયો છે. સવારથી નર્મદા ડેમના પાંચ દરવાજા દોઢ મીટર ખોલીને કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી ગઈકાલે સાંજે 11 ગેટ ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ.
આ પાંચ દરવાજા 28 ઓગસ્ટના રોજ ફરીથી ખોલવામાં આવ્યા છે, જ્યારે અગાઉ 31 જુલાઈના રોજ પણ ખોલવામાં આવ્યા હતા. નદી કાંઠાના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ હાલ 91% ભરાયેલો હોવાથી તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે અને તેમાં 9460 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે, જે ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પાણીને "પારસ" ગણાવ્યું છે. આ ઉપરાંત, મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી 83.43% પર પહોંચી છે અને કડાણા ડેમના છ દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધીને 1.72 લાખ ક્યુસેક થઈ ગઈ છે, જેનાથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પાણીની આવક જોતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળસંકટ ટળી ગયું છે અને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ઉપરવાસમાં થઈ રહેલી ભારે આવકને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમ સત્તાધિકારીઓ દ્વારા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 28 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવશે. ડેમના દરવાજા ખોલવાથી મહત્તમ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જ્યારે રિવર બેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે.
આમ, કુલ મળીને 95 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ નિર્ણય ડેમની જળસપાટીને નિયંત્રિત કરવા અને સલામતી જાળવવા માટે લેવામાં આવ્યો છે. આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
રીજિયન | જળાશયો | સંપૂર્ણ ભરાયા | જળસ્તર |
ઉત્તર ગુજરાત | 15 | 3 | 71.48% |
મધ્ય ગુજરાત | 17 | 5 | 91.67% |
દક્ષિણ ગુજરાત | 13 | 9 | 77.92% |
કચ્છ | 20 | 5 | 60.03% |
સૌરાષ્ટ્ર | 141 | 51 | 79.23% |
કૂલ | 206 | 73 | 79.00% |