Van Mahotsav: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન - પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના ‘76માં વન મહોત્સવ’ની આવતીકાલ તારીખ 30 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય ઉજવણી કરાશે.


ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે "ગળતેશ્વર વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નો સવારે 10 કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વધુમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં 300થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


ગળતેશ્વર વનના મુખ્ય આકર્ષણો
મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા રાજ્યના 24માં સાંસ્કૃતિક "ગળતેશ્વર વન”માં નવા અભિગમ સાથે આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, ચરોતર વિસ્તારના મહાનુભાવોને આવરી લેતું ચરોતર સંકુલ, ગળતેશ્વર ડાયરોમા, વોચ ટાવર, દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર ધરાવતું નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, ચરક વન-પ્રતિમા, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને 27 ભાગમાં વિભાજીત કરીને “નક્ષત્રો” તરીકે નામ આપી ઓળખવામાં આવી છે તેવું નક્ષત્ર વન, પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભોમંડળને 12 રાશિઓમાં વિભાજીત કરવામાં આવી છે તેવું રાશી વન, નવગ્રહ વન, ફોટો પોઈન્ટ, ઉધઈના રાફડાનો ઉભો છેદ, મધમાખીનું જીવનચક્ર દર્શાવતું ફોટો પોઈન્ટ, ક્રોસિંગ બ્રિજ-રેલિંગ અને સુવિધાસભર કેન્ટીન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.


આ ઉપરાંત ગળતેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી મહી બારમાસી નદી હોવાથી સમગ્ર પંથક હરિયાળો રહે છે. પ્રવાસીઓ માટે મહત્વ ધરાવતું આ વન તૈયાર થવાથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારીના નિર્માણની સાથે આ વિસ્તારમાં નાગરિકોનું જીવન ધોરણ વધુ ઉંચુ આવશે.

ગળતેશ્વરનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ
ગુજરાતના પૌરાણિક-ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ અનેરૂ મહત્વ છે. સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. ગળતી નદી પરથી આ મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી માત્ર 10થી 12 કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે અંદાજે 25 લાખથી વધુ ભક્તો અને પર્યટકો આવતા હોય છે. ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે.
મહીસાગર નદી કિનારે આવેલ ગળતેશ્વર મહાદેવના દર્શાનાર્થે તથા મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે દરરોજ અંદાજે 700થી 1200 દર્શનાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રીના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે.
વન મહોત્સવનો ઈતિહાસ
જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ, વન અને સહકાર મંત્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે 76 વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે 76 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ 2004માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું.
આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે 76માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “ગળતેશ્વર વન”નું લોકાર્પણ કરવામાં આવશે.