Nadiad News: ખેડા જિલ્લાના રાજકારણમાં તાજેતરમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં એક પત્ર જાહેર કરી પક્ષ અને સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. કનુભાઈ ડાભીએ જણાવ્યું કે, તેઓની ગરીમા જાળવવામાં આવી રહી નથી અને પક્ષે તેમના સૂચનોને અવગણ્યા છે.
તેમણે આક્ષેપ મૂક્યો કે વિકાસના કાર્યો તેમજ જાહેર પ્રશ્નોના નિકાલમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. જિલ્લા અને તાલુકા સ્તરે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા છતાં પક્ષ અને પ્રશાસન તરફથી પૂરતું સહકાર મળતો નથી. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મળતું પ્રાધાન્ય તેમના અસંતોષનું મુખ્ય કારણ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.
પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે, “વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યા છતાં આજે અમારા સૂચનોને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. પાર્ટીમાં રહેલી જૂથબાજી વિકાસ કાર્યોને અસર કરી રહી છે.” આ પત્ર બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને પક્ષની અંદર મતભેદો ફરી સામે આવ્યા છે.
કનુભાઈ ડાભીના આક્ષેપો બાદ સ્થાનિક રાજકીય નેતાઓમાં પણ હલચલ મચી છે. પક્ષની અંદર જૂથબાજી, પ્રાથમિકતા અને ભૂતપૂર્વ ધારાસભ્યોની અવગણના જેવા મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ પત્ર બૉમ્બ રાજકારણમાં કયા નવા વળાંકો લાવશે તે જોવું રસપ્રદ રહેશે.