Kheda: ખેડા જિલ્લામાં આવેલ સુપરસિદ્ધ યાત્રાધામ જે મીની દ્વારકા તરીકે પણ ઓળખાય છે, તેવા ડાકોરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની અનંત ભવ્યતા બાદ આજે નંદ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. મંદિર પરિસરમાં વહેલી સવારે જ ભક્તોનું ઘોડાપુર ઊમતું જોવા મળ્યું હતું. મંદિરનું સમગ્ર વાતાવરણ “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરના સેવક પૂજારીઓએ નંદબાવા, યશોદા, ગોપ-ગોપીઓનો વેશ ધારણ કરી પરંપરાગત રીતે નંદ ઉત્સવ ઉજવ્યો હતો. કૃષ્ણ જન્મ પછી ગોકુળમાં જેમ આનંદોત્સવ ઉજવાયો હતો, તે જ રીતે ડાકોરમાં પણ પરંપરા નિભાવતા પૂજારીઓએ નંદોત્સવની ઉજવણી કરી હતી.
ભક્તો પર દહીં છાંટીને પ્રસન્નતા અને ઉમંગનો માહોલ સર્જાયો હતો. હાથમાં દહીંની મટકી લઈને ભક્તો પર છંટકાવ કરાતા સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.
આ અવસર પર રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજને પૂજારીઓએ પારણામાં ઝુલાવીને નંદોત્સવની અનોખી છટા પ્રગટ કરી. નાના બાળક તરીકે ભગવાનના સ્વરૂપનું દર્શન કરતાં ભક્તો ભાવવિભોર બની ગયા હતા.

મંદિર પરિસરમાં ભક્તોએ ભારે સંખ્યામાં હાજરી આપી, ભજન-કીર્તન અને ધૂનના સ્વરો સાથે અખંડ ભક્તિભાવનો અનુભવ કર્યો. ડાકોરના આ નંદ મહોત્સવે ભક્તિ અને આનંદની અદભૂત છાપ છોડી છે. પરંપરા, શ્રદ્ધા અને ભક્તિના અનોખા સંમિશ્રણ સાથે ઉજવાયેલા આ ઉત્સવમાં જોડાયેલા ભક્તો માટે આ ક્ષણો જીવનભર સ્મરણિય બની રહ્યા હતા.
