Kheda: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંબલીયા અને સાલોડ ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં ઢળતી સાંજે આજે એક પુરપાટ આવતી ઇકો કાર ખાબકી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક વહીવટી તંત્રને માહિતી આપવામાં આવી હતી.
સાલોડના સરપંચ કિરણ પરમારના જણાવ્યા મુજબ, તેમને ફોન દ્વારા માહિતી મળી હતી કે કેનાલમાં એક ઇકો કાર પડી ગઈ છે. જેમાં રહેલ એક વ્યક્તિ મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. જે બાદ જોતજોતામાં કાર પાણીના પ્રવાહમાં આગળ તરફ તણાઈ ગઈ હતી અને આખરે ડૂબી ગઈ હતી. કારમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કપડવંજ અને નડિયાદ ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની સહાયથી કેનાલના ઊંડા પાણીમાં ખાબકેલ કાર અને મુસાફરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ ગામના લોકો અને 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

હાલમાં શોધખોળની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. કાર કેવી રીતે અને ક્યા કારણોસર કેનાલમાં ખાબકી તે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.