Gujarat Rain Data | Kheda: ભારે વરસાદની ચારેક જેટલી સિસ્ટમ ગુજરાત પર સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ તોફાની બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે આજે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ જ વરસી રહ્યો હતો. જો કે હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર પોતાનું હેત વરસાવવાનું નક્કી કર્યું હોય, તેમ છેલ્લા 2 કલાકમાં ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
રાતે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 64 મિ.મી (2.5 ઈંચ) વરસાદ ખેડા જિલ્લાના મહુધામાં ખાબક્યો છે. આ સિવાય નડિયાદમાં 55 મિ.મી (2.1 ઈંચ) વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં જોઈએ તો, દ્વારકામાં 30 મિ.મી, મહેસાણાના બેચરાજીમાં 15 મિ.મી, જોટાણામાં 13 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસમાં 192 તાલુકામાં વરસાદઃ મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ ધોધમાર ખાબક્યો
આજે રાજ્યના 86 તાલુકામાં 1 ઈંચથી વધુ, 60 તાલુકામાં 2 ઈંચથી વધુ, 38 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 29 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 331 મિ.મી (13 ઈંચ) વરસાદ ખાબક્યો છે. અન્ય તાલુકામાં કેશોદમાં 280 મિ.મી, વંથલીમાં 262 મિ.મી, પોરબંદરમાં 256 મિ.મી, નવસારીના ગણદેવીમાં 234 મિ.મી વરસાદ વરસ્યો છે.