Mehsana News: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજમાં બાળકોની સંખ્યા વધારવા અંગે આપેલા નિવેદન પર SPG (સરદાર પટેલ ગ્રુપ)ના લાલજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, બાળકો વધારવાથી સમાજનું સંગઠન મજબૂત થતું નથી, પરંતુ તેમને સારા સંસ્કાર આપીને સમાજ અને દેશ માટે મજબૂત બનાવવા જરૂરી છે.
બાળકો વધારવાથી સમાજનું સંગઠન મજબૂત થતું નથી
એસપીજીના લાલજી પટેલે આર.પી.પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બાળકો વધારવાથી સમાજનું સંગઠન મજબૂત થતું નથી. આપણે જે પણ બાળકો હોય, એક હોય કે બે, તેમને સંસ્કાર આપીને હિંદુ સમાજ અને ભારત દેશ માટે મજબૂત કરવા એ અમારું પ્રાધાન્ય છે. અમે વારંવાર સભાઓમાં બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું, ક્યાં ભણાવવા, અને તેમનું ધ્યાન કેવી રીતે રાખવું તેની વાત કરીએ છીએ. માત્ર બાળકોની સંખ્યા વધારવાથી સંગઠન મજબૂત થશે કે સત્તામાં ભાગીદારી મળશે તેવું હોતું નથી. ગુજરાતમાં સવા કરોડ પાટીદારો જો સંગઠિત રહે તો બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી.
ભવિષ્યમાં જે સમસ્યાઓની વાત કરવામાં આવી છે તે થવાની જ છે
તેમણે વધુમાં જણાવ્યું કે, આજની યુવા પેઢી, જેમાં દીકરા-દીકરીઓ બંને શિક્ષિત છે, તેઓ કોઈના કહેવાથી નહીં પરંતુ પોતાની સમજણથી એક બાળક પછી બીજા બાળકનો વિચાર કરતી નથી. એટલે, ભવિષ્યમાં જે સમસ્યાઓની વાત કરવામાં આવી છે તે થવાની જ છે. જ્યાં સુધી 'ભાડાના' લોકોની વાત છે, તેઓ ફક્ત ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે કોઈ મોટું ફંક્શન હોય અને સંખ્યાબળ દર્શાવવું હોય. બાકી, કોઈ પણ કાર્યક્રમ પરિવાર સાથે જ કરી શકાય છે.
સત્તા માટે વધુ સંખ્યા હોવી જરૂરી નથી
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજનીતિની વાત કરીએ તો, પહેલા રાજાઓ તલવારથી યુદ્ધ લડીને સત્તા મેળવતા હતા, જ્યારે આજે જેની જનસંખ્યા વધારે હોય તે લોકો સત્તામાં આવે છે. આર.પી.પટેલે આ જ રાજકીય દ્રષ્ટિએ વાત કરી છે કે વધુ સંખ્યાબળ સત્તા મેળવી શકે. પરંતુ, જેમ મેં કહ્યું તેમ, ગુજરાતમાં દરેક પક્ષમાં પાટીદાર સમાજના ઘણા નેતાઓ છે અને પાટીદાર સમાજ સંગઠિત છે એટલે સત્તામાં છે.
કોઈપણ સમાજ જ્યારે સંગઠિત હોય, ત્યારે તે ચોક્કસ સત્તામાં આવી શકે છે. તે માટે વધુ સંખ્યા હોવી જરૂરી નથી, પરંતુ જે પણ સંખ્યા હોય તે મજબૂત અને સંગઠિત હોવી જોઈએ. જો હિન્દુઓનો પ્રશ્ન હિન્દુઓ બધા અલગ અલગ જ્ઞાતિમાં વેચાયેલા છે એટલે જ્યારે જ્ઞાતિવાદ થતો હોય એવી જગ્યાએ લોકો ત્રાસ આપતા હોય છે તો મારે એવું માનવું છે કે જો પણ હિન્દુઓ રહેતા હોય અને બહુ સંગઠિત રહેશો તો ભવિષ્યમાં આવો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી.