RP Patel Children Statement Controversy: પાટીદાર સમાજના અગ્રણી આર.પી. પટેલે ત્રણથી ચાર બાળકો પેદા કરવાના કરેલા નિવેદનની પાટીદાર સમાજના અન્ય અગ્રણી ગીતા પટેલે આકરી ટીકા કરી છે. ગીતા પટેલે જણાવ્યું કે, આર.પી. પટેલ કરોડપતિ હોવાથી તેમને દસ બાળકો પેદા કરવા સહેલા લાગી શકે છે, પરંતુ વર્તમાન સમયમાં સામાન્ય પરિવાર માટે બે બાળકોનો ઉછેર કરવો પણ ખૂબ મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે આવા નિવેદનો આપતા પહેલા મહિલાની સ્થિતિ અને ભવિષ્યમાં બાળકોના પાલનપોષણની જવાબદારી અંગે વિચારવું જોઈએ.
બેરોજગારી અને નશાખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર
ગીતા પટેલે આર.પી. પટેલના નિવેદનને માત્ર રાજકીય ગણાવ્યું અને જણાવ્યું કે સમાજના આગેવાનોએ રાજકારણ કરવાને બદલે વાસ્તવિક સામાજિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજે આપણા યુવાનો બેરોજગાર છે અને નશાખોરી તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત, દીકરીઓના ભવિષ્ય, કોર્ટ મેરેજ, અને પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે સવાલ કર્યો કે, શું આપણે ચાર બાળકો પેદા કરીને તેમને 20 વર્ષ પછી ભીખ માંગવા માટે રસ્તા પર છોડી દેવાના છે?
ગીતા પટેલે આજના સમયની કડવી વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે એક કે બે બાળકોને ભણાવવા માટે પણ લોન લેવી પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત, આરોગ્યના ખર્ચાઓ પણ વધી રહ્યા છે, જેમાં બાળકોની બીમારીથી માંડીને વડીલોના દવા-ખર્ચાનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજના આગેવાનોએ સનાતન ધર્મ બચાવવાની વાત સાચી છે, પરંતુ ચાર બાળકો પેદા કરીને તેમની જવાબદારી કોણ લેશે? તેમણે ગુજરાતમાં પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં છોકરીઓ મળતી ન હોવાની ગંભીર પરિસ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું અને સમાજના આગેવાનોને આવા સામાજિક મુદ્દાઓની ચિંતા કરવા વિનંતી કરી.