Vishv Umiya Dham President Controversy: તાજેતરમાં કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે આપેલા એક નિવેદન પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદન મુજબ, જો ત્રણ કે ચાર સંતાનો હોય તો રાજકીય અને સામાજિક મજબૂતાઈ વધે છે. આ નિવેદનનું પાટીદાર નેતાઓ દ્વારા જ ખંડન કરવામાં આવી રહ્યું છે અને તેને 'સમજણ વગરનું' તેમજ 'બેજવાબદાર' ગણાવવામાં આવી રહ્યું છે. આ સાથે પાટીદાર નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે, આ પ્રકારના ભાષણો સમાજના મંચ પરથી થવા એ અયોગ્ય છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી.
આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, આર પી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે અનેક મહત્વના વિષયો છે, જેની અત્યારે તાતી જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે, યુવાધન ડ્રગ્સના દૂષણો, જુગારમાં પૈસા ગુમાવવા, દેવું અને બેરોજગારી જેવી સમસ્યાઓના કારણે બરબાદ થઈ રહ્યું છે, જેના પરિણામે તેમની માનસિકતા ખરાબ થઈ રહી છે અને આત્મહત્યાના બનાવો પણ બની રહ્યા છે. આ ઉપરાંત, માતાઓ, બહેનો અને દીકરીઓને લગતા ઘણા મુદ્દાઓ છે, જેના માટે વિચાર ક્ષમતા વધારવાના અભિયાનો થવા જોઈએ. આવા ગંભીર સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે સંતાનોની સંખ્યા વધારવાની વાત કરવી તે 'સમજણ વગરની વાત' કહેવાય છે.
આર્થિક સધરતા અને પારિવારિક જવાબદારીઓ
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં સંતાનોના શિક્ષણ અને પરવરિશનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. પહેલાના સમયમાં દીકરા-દીકરીઓ ખેતરના કામમાં મદદરૂપ થતા અને તેમનો નિભાવ સરળ હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજના સમયમાં લોકોના માળા નાના થઈ ગયા છે અને સંયુક્ત પરિવારોની સંખ્યા ઘટી ગઈ છે. વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે, તે પણ સમાજનો એક વિચારવાનો વિષય છે. સંતાનોની સંખ્યાનો નિર્ણય વ્યક્તિગત પરિવારની આર્થિક સધરતા અને તેમની ક્ષમતા પર આધાર રાખે છે. એક કે બે સંતાનો હોય તો વાંધો આવતો નથી અને તેમને એકબીજાનો સંગાથ પણ મળી રહે છે.
રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, કોઈપણ સામાજિક આગેવાને સમાજના મંચ પરથી કરેલા નિવેદનો ખૂબ જ ગંભીર હોય છે અને તેના પર ઘણું મનોમંથન થતું હોય છે. આવા નિવેદનો સમાજ પર ઘણી મોટી અસર પાડી શકે છે. 'ત્રણ-ચાર છોકરાઓ તમારું સામાજિક-રાજકીય સ્તર ઉંચું આવે તેવા નિવેદનનો કોઈ અર્થ બનતો નથી, અને આવા નિવેદનો આપનાર વ્યક્તિએ તેનો ભાવાર્થ સ્પષ્ટ કરવો જોઈએ. આવા બેજવાબદાર નિવેદનોથી સમાજે બચવું જોઈએ. જવાબદાર લોકોએ પોતાના શબ્દોને ખૂબ જ ગંભીરતાથી વિચારી અને તોલમોલ કરીને સમાજ સમક્ષ મૂકવા જોઈએ, જેથી ખોટી સફાઈઓ આપવાનો વારો ન આવે.
નિવેદનનો વિરોધ, વ્યક્તિનો નહીં
આર.પી. પટેલના નિવેદન બાદ અન્ય પાટીદાર નેતાઓ પણ તેમના જેવા જ નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે આંતરિક પાટીદાર સમાજમાં તેમનો વિરોધ વધી રહ્યો છે તે અંગે રેશ્મા પટેલે જણાવ્યું કે જોકે, આ વિરોધ આર.પી. પટેલ વ્યક્તિગત રીતે નહીં, પરંતુ તેમના દ્વારા બોલાયેલા શબ્દો માટે છે. સમાજ માટે કોઈપણ પ્રકારની સકારાત્મક જાગૃતિ ન લાવતા હોય તેવા શબ્દોને અમે સ્વીકારતા નથી અને તેને વખોડીએ છીએ. 'ત્રણ-ચાર છોકરાઓને જન્મ આપવો એ જ સમાજની પ્રગતિનું કારણ છે' તેવી વાતને અમે વખોડીએ છીએ. આવા કોઈપણ વ્યક્તિ સમાજના મંચ પરથી આવા 'સમજણ વગરના' વાક્યો બોલે તો તેની સામે આ જ પ્રતિક્રિયા હોઈ શકે છે.