Vishv Umiya Dham President: વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ દ્વારા કચ્છના નખત્રાણામાં આયોજિત એક કાર્યક્રમમાં પાટીદાર સમાજને સંબોધતા 'વન ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'ના વલણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ વલણને સમાજ માટે ઘાતક ગણાવ્યું અને કહ્યું કે તેના કારણે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. આર.પી. પટેલે સમાજની સામાજિક અને રાજકીય તાકાત જાળવી રાખવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો સંખ્યાબળ ઘટશે તો અસ્તિત્વ માટે લડવું પડશે અને સનાતન ધર્મની તાકાત પણ નબળી પડશે. ત્યારે આ મુદ્દાએ ચર્ચાને જોર આપ્યું છે. કેટલાંક લોકો આરપી પટેલની વાત પર સહમતિ વ્યક્ત કરી રહ્યાં છે, તો કેટલાંક તેમની વાતને રદિયો આપી રહ્યાં છે. પાટીદાર સમાજના અગ્રણી નેતા દિનેશ બાંભણિયાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે.
દિનેશ બાંભણિયાની આંશિક સહમતિ: 'બે બાળકોની જરૂરિયાત' પર ભાર
આર.પી. પટેલના આ નિવેદન પર દિનેશ બાંભણિયાએ આંશિક સહમતિ દર્શાવી છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સામાજિક વ્યવસ્થા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘરમાં ઓછામાં ઓછા બે બાળકો હોવા જરૂરી છે. જોકે, તેમણે વધુ બાળકો રાખવાના મુદ્દે અસહમતિ વ્યક્ત કરી છે.
દિનેશ બાંભણિયાએ આ આંશિક સહમતિ પાછળના કારણો આપતા કહ્યું કે, જ્યારે એકમાત્ર બાળક વિદેશ જતું રહે છે અથવા કોઈ આકસ્મિક કારણોસર તેનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારની પરિસ્થિતિ વિકટ બની જાય છે. આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમણે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બાળકોને એકબીજા સાથે રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે તેમના સંબંધો અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આથી, તેમનું માનવું છે કે ઘર માટે ઓછામાં ઓછા બે બાળકો હોવા જરૂરી છે.