Junagadh News: એશિયાઈ સિંહોના રક્ષણ માટે 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર, ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ

હાલમાં ગીર રક્ષીત વિસ્તારની હદથી 10 કિ.મી. વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતો હતો. નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરાયો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 25 Sep 2024 02:59 PM (IST)Updated: Wed 25 Sep 2024 02:59 PM (IST)
junagadh-news-gujarat-government-declares-eco-sensitive-zone-to-protect-asiatic-lions-around-gir-protected-area-402463

Junagadh News: ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

ઇકો-સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢના કેટલા ગામો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવ્યા છે તેમ, જણાવી વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ થશે

ઇકો-સેન્સિટિવ ઝોનમાં અમરેલી- ગીર સોમનાથના કેટલા ગામો

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.૩2 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી 10 કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

અભયારણ્યનો આટલો વિસ્તાર આરક્ષિત કરાયો

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-1,468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે.

અત્યાર સુધી આ વિસ્તારને ફરતે 10 કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારીત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરીડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.