Jamnagar: જામનગરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાસુએ છૂટાછેડા આપવાનો ઈનકાર કરતાં રિસામણે બેઠેલી પુત્રવધુએ ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો. આ મામલે સાસુએ જામનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ઈન્દિરાનગર કોલોનીમાં રહેતા ભારતીબેન વઢવાણી (65)એ પોતાની પુત્રવધુ વિરુદ્ધ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, છેલ્લા પંદરેક દિવસથી તેમની પુત્રવધુ પાયલ વાઢવાણી રિસાઈને પિયર બેઠી છે. ગત 12 ઓગસ્ટના રોજ પાયલ અન્ય સ્ત્રીઓ સાથે પોતાની સાસરીમાં કપડા લેવા ગઈ હતી.
આ સમયે ભારતીબેન વાઢવાણી ઘરે હાજર હતા. જ્યાં પાયલે છૂટાછેડા લેવા માટે જણાવ્યું હતુ. જો કે ભારતીબેને છૂટાછેડા આપવાનો ઈનકાર કરતાં પાયલ ઉશ્કેરાઈ ગઈ હતી અને સાસુ સાથે ઝઘડો કરવા લાગી હતી.આ દરમિયાન પાયલે પોતાની સાથે આવેલી અન્ય સ્ત્રીઓ સાથે મળીને સાસુ પર હુમલો કર્યો હતો. જેમાં સાસુને વાળ ખેંચીને જમીન પર પટકીને ઢસડ્યા હતા. જે બાદ પુત્રવધુએ પોતાની સાથે આવેલી ત્રણ મહિલાઓ સાથે મળીને સાસુને ફટકાર્યા હતા.
આટલું જ નહીં, પુત્રવધુએ જતા-જતા ધમકી આપી હતી કે, છૂટું કરી દેજો, નહીંતર જાનથી મારી નાંખીશ. જે બાદ ચારેય મહિલાઓ ભાગી છૂટી હતી. આ મામલે ભારતીબેને પુત્રવધુ પાયલ સહિત તેની સાથે આવેલી ભગવતીબેન, ભૂમિબેન અને ગીતાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.