Gujarat RTE Admission 2025: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અધિકાર (RTE) યોજના હેઠળ આવક મર્યાદા ₹1.5 લાખથી વધારીને ₹6 લાખ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે અને તેઓ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવી શકશે. આ પગલાંથી એવા માતા-પિતાઓને રાહત મળશે, જેઓ આર્થિક મુશ્કેલીઓના કારણે પોતાના બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપી શક્યા ન હતા. ઉપરાંત, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
સરકારના જણાવ્યા પ્રમાણે, શૈક્ષણિક વર્ષ 2025-26માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 16/03/2025ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: 8,9,11,12 અને 13ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. 13/03/2025ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. 6 લાખ કરવામાં આવેલ છે.
આથી, વાર્ષિક રૂ. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીઓ વેબસાઈટ પર તા. 15/04/2025, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે
આ પણ વાંચો
જણાવી દઈએ કે, અત્યાર સુધી, ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા ₹1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે ₹1.5 લાખ નક્કી કરવામાં આવી હતી. હવે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બંને – ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વધારીને વાર્ષિક ₹6 લાખ કરવામાં આવી છે.