Project Setu: પ્રોજેક્ટ સેતુ’ હેઠળ માત્ર 1 વર્ષમાં રૂપિયા 78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન

સીએમ ડેશબોર્ડ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાજ્યની વિકાસ પરિયોજનાઓ અને જાહેર સેવાઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Tue 24 Dec 2024 08:12 PM (IST)Updated: Tue 24 Dec 2024 08:13 PM (IST)
under-project-setu-projects-worth-rupee-78000-crore-were-reviewed-in-just-1-year-60-percent-resolved-449937

Project Setu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પારદર્શિતા,જવાબદારી અને નાગરિક-કેન્દ્રિત પહેલો સાથે સુશાસનનું પ્રતિક બન્યું છે. આ પરિવર્તનમાં સીએમ ડેશબોર્ડ એક મુખ્ય પહેલ છે. સીએમ ડેશબોર્ડ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાજ્યની વિકાસ પરિયોજનાઓ અને જાહેર સેવાઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરે છે.

CM ડેશબોર્ડની આ ક્ષમતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ નિમિત્તે પ્રગતિ-G પોર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat) હેઠળ ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને લૉન્ચ કર્યું હતું.આ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.

પ્રગતિ-G પોર્ટલ હેઠળ “પ્રોજેક્ટ સેતુ” મોડ્યુલ શું છે?
રાજ્યના વિવિધ વિભાગો હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને તે પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ઊભી થતી સમસ્યાઓના ઝડપી નિવારણ માટે ઉચ્ચ-સ્તરની મોનિટરિંગ સિસ્ટમ તરીકે CM ડેશબોર્ડના પ્રગતિ-G પોર્ટલ હેઠળ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલ હેઠળ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પોતે રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સનું માઇક્રો-લેવલ મોનિટરિંગ કરે છે. આ માટે પ્રોજેક્ટ્સના મુદ્દાઓને 10થી વધુ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના આધારે તેમની વિગતવાર સમીક્ષા કરવામાં આવે છે.

પેપરલેસ સમીક્ષા પ્રક્રિયા હેઠળ રૂપિયા 78,000 કરોડના પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા
ગુજરાત સરકારના 'પ્રોજેક્ટ સેતુ'એ માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં રૂપિયા 78,000 કરોડ મૂલ્યના 380 મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરીને એક દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. આ પ્રક્રિયા હેઠળ લગભગ 327 મુદ્દાઓ સામે આવ્યા હતા, જેમાંથી 193 સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ થયું હતું, જે લગભગ 60%નો પ્રભાવશાળી સફળતા દર સૂચવે છે. આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળવાથી આ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે.

એટલું જ નહીં, 'પ્રોજેક્ટ સેતુ' મોડ્યુલ હેઠળ વિવિધ વિભાગોના નાના-મોટા પ્રોજેક્ટ્સની રિવ્યૂ મીટિંગની સુવિધાએ રાજ્ય સરકારની સમીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી દીધી છે. આનાથી પારદર્શિતા તો વધી જ છે, સાથે નિર્ણય લેવાની પ્રક્રિયા પણ ઝડપી બની છે.

જે વિભાગના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે તેમાં શહેરી વિકાસ (રૂપિયા 22,653 કરોડ, 76 પ્રોજેક્ટ્સ), રસ્તાઓ અને મકાનો (રૂપિયા 6,755 કરોડ, 73 પ્રોજેક્ટ્સ), પાણી પુરવઠા (રૂપિયા 17,756 કરોડ, 78 પ્રોજેક્ટ્સ), ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ (રૂપિયા 2,777 કરોડ, 21 પ્રોજેક્ટ્સ), ઉદ્યોગ અને ખનિજ (રૂપિયા 6,579 કરોડ, 11 પ્રોજેક્ટ્સ) અને આદિજાતિ વિકાસ (રૂપિયા 318 કરોડ, 12 પ્રોજેક્ટ્સ)નો સમાવેશ થાય છે.‘પ્રગતિ-G’ પોર્ટલ અને ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલના અસરકારક ઉપયોગ સાથે ગુજરાત સરકાર સમયસર અમલીકરણ, પારદર્શિતા અને મોનિટરિંગમાં એક આદર્શ ડિજિટલ ગવર્નન્સ મોડલ રજૂ કરી રહી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સશક્ત ઉદાહરણ છે.