Gujarat Gram Panchayat Election 2025: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂટણી જાહેર થઇ ગઇ છે. રાજ્ય સરકારે ગામડામાં પંચાયતો બિન હરીફ બને તે માટે વિવિધ લાભો પણ આપે છે. રાજ્યમાં જે ગામડામાં સંપ છે ત્યાં પંચાયત સમરસ બની રહી છે. બનાસકાંઠામાં પાલનપુર તાલુકાની પેડાગરા ગ્રામ પંચાયત સમરસ બની છે. જ્યારે સુઇગામના સોનેથ ગ્રામ પંચાયત, દાંતીવાડાની ઓકોલી ગ્રામ પંચાયત સમરસ બની છે.
પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની સાદપુરા જૂથ પંચાયતમાં બિન હરીફ મહિલા સરપંચ બનતાં આ પંચાયત પણ બિન હરીફ બની છે. આમ અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં કૂલ 4 જેટલા ગામમાં બિન હરીફ સરપંચની પસંદગી કરીને પંચાયતને સમરસ બનાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેથ ગામના લોકોએ આ વખતે ગામના સરપંચની પસંદગી અનોખી રીતે કરી છે. ગામના લોકોએ જે સરપંચ બનવા માગતા હોય તેમના નામની ચીઠ્ઠી બનાવી હતી. ગામના લોકો એકઠા થઇને એક સ્ટીલના મઢુલીમાં સરપંચ બનવા માગતા હોય તેમના નામની ચીઠ્ઠી નાખી હતી.
આ પણ વાંચો
ગામના બાળકોના હાથે આ ચીઠી ઉપાડવામાં આવી હતી. જેમાં પ્રથમ નામ નીકળ્યુ તેને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ. સોનેથ ગામમાં સરપંચ તરીકે ચીઠીમાં ગંગારામ કરશમભાઇ પટેલનું નામ નિકળ્યુ હતુ. જેથી તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી ચીઠ્ઠીમાં ભેમાભાઇ ઠાકોરનું નામ નિકળતાં તેમને ડે. સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આમ બનાસકાંઠાના સોનેથ ગામની પંચાયત સમરસ બની હતી.
પાલનપુર તાલુકાના પેડાગડા ગામે ગામ લોકોએ એકઠા થઇને ગામના સરપંચ અને ડે. સરપંચની બિન હરીફ ચૂંટણી કરી હતી. પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પેડાગડા ગામ પણ સમરસ બન્યું છે. સુરેશભાઈ ગઢવીને સરપંચ અને કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બનાવી છે.આમ બનાસકાંઠામાં બીજી ગ્રામ પંચાયત બિન હરીફ ચૂંટણી થઇને સમરસ બની હતી.
દાંતીવાડા તાલુકાના આકોલી ગામે પણ ગામ લોકોએ સર્વ સંમતીથી ગોમતીબેન માળીને સરપંચ તરીકે બિનહરીફ ચૂંટી લાવ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો હાલમાં સમરસ બની છે, એટલે કે સરપંચ ડેપ્યુટી સરપંચને જાતે જ લોકોએ બિનહરીફ ચૂંટણી પહેલા જ વરણી કરી દીધા છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી સાદપુરા ગામના લોકો એકઠા થઇને સરપંચની પસંદગી કરી હતી. સાદપુરા ગામના લોકોએ સરપંચ તરીકે એક મહિલાની પંસદગી કરી હતી. સાદપુરા ગામના લોકોએ ભીખીબેન ભરવાડને સર્વ સંમતીથી સરપંચ બનાવીને ગ્રામ પંચાયતને સમરસ બનાવી છે. આમ પાટણ જિલ્લામાં આ પ્રથમ જૂથ ગ્રામ પંચાયત સમરસ બની છે. સાદપુરા જૂથ પંચાયત છે જેથી તેમાં સાદપુરા અને જોરાવરગઢનો સમાવેશ થાય છે આથી બન્ને ગામના લોકોએ સરપંચની ચૂટણી ન યોજવા માટે સહમતી દર્શાવી હતી.