પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે-2005 થી માર્ચ-2025 સુધીમાં ગુજરાતના 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ 15.76 લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.8,864.25 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ.5538.76 કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ.3325.47 કરોડ છે.
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં ગુજરાતની હરણફાળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે. વર્ષ 2023-24માં આશરે 1.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે,ગત વર્ષ 2024-25માં પણ આશરે 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો. આ માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ.605.42 કરોડની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ.329.42 કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ.276 કરોડનો છે.
સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા પ્રથમ ક્રમે
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરેલ વિસ્તારની દૃષ્ટિએ 4.77 લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને, 1.81 લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્થાને તેમજ 1.32 લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે.
મધ્યમ વર્ગના ખેડૂતોએ આપ્યો સૂક્ષ્મ સિંચાઈને વેગ
આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના માધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 8,61,833 મધ્યમ વર્ગના ખેડૂતોએ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. જ્યારે, રાજ્યના 4,83,922 નાના ખેડૂતોએ 5.75લાખ હેક્ટર વિસ્તારમાં, 1,76,639 સીમાંત ખેડૂતોએ 1.19 લાખ હેક્ટર વિસ્તારમાં અને 53,622 મોટા ખેડૂતોએ 1.4 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.
મગફળી માટે 10.76 લાખ હેક્ટરમાં અપનાવી સૂક્ષ્મ સિંચાઈ
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ 24.34 લાખ હેક્ટર વિસ્તાર પૈકી 20.02 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ 4.32 લાખ હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે 10.76 લાખ હેક્ટર, કપાસ માટે 7.35 લાખ હેક્ટર અને શેરડી માટે 0.16 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ 2.11 લાખ હેક્ટર, કેળ પાક હેઠળ 0.32 લાખ હેક્ટર, આંબા પાક હેઠળ 0.18 લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ 0.84 લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.
ખેડૂત શક્તિ પોર્ટલ
ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે. પ્રી-રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાનું “પુરૂ નામ – જિલ્લો – તાલુકો - ગામ”ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઈલ નંબર 976332211 પર SMS કરીને નોંધણી કરી શકે છે. આ ઉપરાંત GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” ઉપર જઈને ખેડૂતો વિગતો દાખલ કરીને નોંધણી કરી શકે છે. અરજીની પૂર્વ નોંધણી બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે.