CR Patil News: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ પ્રમુખ બદલાશે તેવી વાતો વહેતી થઈ હતી. સીઆર પાટીલ મંત્રી બન્યા બાદ પણ તેમને જાહેર મંચ પરથી ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે એવી વાત કરી હતી. આમ છતાં સીઆર પાટીલને પ્રમુખ બન્યા 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં હજી સુધી ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા નથી. હવે ચર્ચા થઈ રહી છે કે ટુક સમયમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. જો કે ભાજપ દ્વારા વિવિધ રાજ્યમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે. તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી ચર્ચા થઈ રહી છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે હજી ઓગસ્ટ સુધી ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળવાની સંભાવના જોવા મળતી નથી.
ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપની હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે, નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી હોવા જોઈએ. કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં અંદરો અંદર વિખવાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી છે. કારણ કે જે રીતે સૌરાષ્ટ્રમાં વિસાવદરની હાર અને આપણી જીતથી ગુજરાત ભાજપ નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
60 ટકા મંડળ પ્રમુખ બન્યા બાદ તાલુકા પ્રમુખની વરણી કરી શકાય
ભાજપના નિયમ પ્રમાણે રાજ્યમાં 60 ટકા જિલ્લા પ્રમુખની વરણી થાય તો પ્રદેશ પ્રમુખની વરણી કરી શકાય. જેમ કે, 60 ટકા મંડળ પ્રમુખ બન્યા બાદ તાલુકા પ્રમુખની વરણી કરી શકાય. 60 ટકા તાલુકા પ્રમુખની વરણી થઈ જાય તો જિલ્લા પ્રમુખની વરણી કરી શકાય. તેવી જ રીતે 60 ટકા જિલ્લા પ્રમુખની વરણી થઈ હોય તો પ્રદેશ પ્રમુખની વરણી કરી શકાય. તેવી જ રીતે દેશમાં 60 ટકા રાજ્યમાં પ્રદેશ પ્રમુખની વરણી થાય તો રાષ્ટ્રીય અધક્ષની વરણી કરવામાં આવે છે. જો કે, ગુજરાત ભાજપે જિલ્લા પ્રમુખની વરની થયાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સુધી પ્રદેશ પ્રમુખની વરણી થઈ નથી.
આ પણ વાંચો
ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે
ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને ઓબીસી અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યેજ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.
20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના
ગુજરાતમાં ભાજપના પ્રમુખ પદને લઈને અનેક નામ ચર્ચાઈ રહ્યા છે. જેમાં રજની પટેલ, જીતુ વાઘાણી, આરસી ફળદુ, ગણપત વસાવા, રાજેશ ચુડાસમા, ઉદય કાણગડ, ભરત બોગરા આ નામ લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. પરંતુ ભાજપના પ્રમુખ પદ પર બેસનાર નેતા આરએસએસ અને સંગઠનમાં સ્વચ્છ છબી ધરનાર નેતાને પ્રદેશ પ્રમુખ પદ સોંપે તેવી સંભાવના જોવા મળી રહી છે. કેન્દ્રમાં રાષ્ટ્રીય અધક્ષ નિમનુક પહેલા ગુજરાતને પણ ભાજપ પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થાય છે. તેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે.