Ambalal Patel Agahi: હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 16થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે 15મી ઓગસ્ટના રોજ, રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તારીખ 16થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, તારીખ 27 ઓગસ્ટ સુધીમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગોમાં લગભગ 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા હોવાથી, નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું જરૂરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને કેતુની યુતિ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે છે. આના કારણે પક્ષાપક્ષીનું વાતાવરણ ઊંચું આવી શકે છે અને રાજકારણમાં કડવા દ્રશ્યો જોવા મળી શકે છે. આ ઉપરાંત, આંદોલનો અને હડતાળો જેવી ઘટનાઓ પણ જોવા મળે તેવી શક્યતા છે.