Devbhumi Dwarka: ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ 16 ઓગસ્ટ, 2025ના રોજ પરંપરાગત રીતે ઉજવાશે. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવશે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવના જણાવ્યા અનુસાર, મંદિરના વિવિધ વિસ્તારોમાં કુલ છ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. યાત્રાળુઓની સુખાકારી માટે 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. અશક્ત અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'સી ટીમ'ની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સતત નજર રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જામનગર, દ્વારકા અને રાજકોટ રેન્જના જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તહેવાર દરમિયાન હાઇવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને, રાજકોટથી દ્વારકા સુધીની ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જન્માષ્ટમીને કારણે હોટલ અને ગેસ્ટ હાઉસમાં અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયા છે