Devbhumi Dwarka: દેવભૂમિ-દ્વારકા પોલીસે દેહ વ્યાપારના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને ગોંધી રાખવામાં આવેલી એક યુવતીને મુક્ત કરાવી છે. જ્યારે આ મામલે બે જણાને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દેહ વ્યાપારની ચુંગાલમાં ફસાયેલી એક યુવતીએ પોતાની આપવીતી જણાવતો એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં પીડિતાએ દ્વારકાની નરસંગ ટેકરી વિસ્તારમાં ધમધમતા કુટણખાના અને તેને ચલાવનારા લોકો વિશે માહિતી આપી હતી. આ વીડિયો ધ્યાને આવતા દ્વારકા પોલીસ હરકતમાં આવી હતી.
જે બાદ દ્વારકા પોલીસની ટીમે તાત્કાલિક જૂની એડવેન્ટ ટૉકિઝની સામે નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ 'સુલતાના ઉર્ફે જુબીનાના ડેલા' તરીકે ઓળખાતા કુટણખાના પર રેડ પાડીને એક યુવતીને મુક્ત કરાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સુલતાના ઉર્ફે જુબીના તેની સાથીદાર ખુશ્બુ (કિન્નર) સાથે મળીને આ કુટણખાનું ચલાવતી હતી. જેમાં બહારથી યુવતીઓને બોલાવીને અહીં દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો. હાલ તો પોલીસે આ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.