Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાણવડ નજીક કિલેશ્વર મહાદેવ પાસે ચેકડેમ ઓવરફ્લો થતાં પ્રવાસીઓ ફસાયા હતા, વન વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ કિલેશ્વર નજીક પુલ પરથી પસાર થતી મહિલા સહિત બે લોકોને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો.
સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભારે વરસાદને પગલે કિલેશ્વર નજીકના પુલ પરથી પસાર થતી વખતે એક મહિલા સહિત બે લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે દોરડાની મદદથી નદીમાંથી મહિલાને બહાર કાઢી, તેને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
ફસાયેલા પ્રવાસીઓને બચાવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગરની ગોદમાં સ્થિત કિલેશ્વર મહાદેવ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતાં ત્યાં આવેલા પ્રવાસીઓ ફસાયા હતા. અચાનક આવેલા પૂરના પાણીના પ્રવાહમાં કિલેશ્વર મહાદેવ મંદિર પાસે પ્રવાસીઓ ફસાયા હતા. આ અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે તમામ ફસાયેલા પ્રવાસીઓને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.
આ પણ વાંચો
કલ્યાણપુરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. મંગળવારે 11 ઇંચ વરસાદ ખાબક્યા બાદ વધુ અઢી ઇંચ વરસાદ પડતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. કલ્યાણપુરમાં સ્થળ એ જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પૂર આવતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સિંધણી ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જામ રાવલ, માલેતા, લાંબા સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. યાત્રાધામ હર્ષદની બજારોમાં પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું.
ભોગાત ગામમાં 17 લોકોનું રેસ્ક્યુ
કલ્યાણપુરના ભોગાત ગામે એક બિલ્ડીંગમાં પાણી ભરાતા બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 17 લોકોને ખંભાળિયા ફાયર ટીમે બચાવ્યા હતા. ખંભાળિયા ફાયર સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને બોટ દ્વારા રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા.