Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર વિકાસની હકીકત બહાર આવી છે. ભૂંડમારીયા ગામમાં એક પ્રસૂતાને ખોલી ઊંચકીને ત્રણથી ચાર કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી.
પંથકમાં વિકાસના મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, અને અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની અછતને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા તાદ્રશ્ય પુરાવાઓ વારંવાર સામે આવતા રહે છે. ત્યારે ક્વાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક મહિલાને આજે વહેલી સવારે પ્રસવ પીડા શરૂ થઈ હતી. જોકે, ગામમાં રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ સીધા ગામ સુધી આવી શકી નહોતી. પરિણામે 108ને ફોન કરીને ચાર કિલોમીટર દૂરના કોટબી ગામે બોલાવવી પડી હતી.
બીજી બાજુ, પ્રસૂતાને પરિવારજનોએ કાપડની ઝોળી બનાવી તેમાં સુવાડીને મૂકી અને ઝોળી ઊંચકીને ચાલતાં ચાલતાં કોટબી તરફ થયા હતા. ત્રણ કિલોમીટર લાંબો કાચો રસ્તો કાદવ, કિચ્ચડ, પાણીથી ભરેલો હતો અને રસ્તામાં કોતરાં તથા ઝરણાઓ પસાર કરવા પડ્યા હતા. આખરે ભારે મુશ્કેલી બાદ તેઓ કોટબી પહોંચ્યા, જ્યાં 108 એમ્બ્યુલન્સ ઉભી હતી. ત્યારબાદ મહિલાને 108 મારફતે કવાંટ PHCમાં ખસેડવામાં આવી હતી. અંતરિયાળ વિસ્તારોમાં માર્ગોની સુવિધા હોવી અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો
1 ઓક્ટોબર-2024ના રોજ તુરખેડાની એક મહિલાને ઝોળીમાં ઊંચકીને લઈ જવાતી હતી, ત્યારે રસ્તામાં જ પ્રસૂતિ થઈ હતી. બાળકના જન્મ પછી મહિલાનું દુઃખદ અવસાન થયું હતું. આ મામલે ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પીટિશન પણ દાખલ કરી હતી. પ્રસૂતા મહિલાના પતિ ચિરાગ ભીલએ જણાવ્યું હતું કે, મારી પત્નીને મેં અગાઉ ચોરંદા ખાતે સરકારી હોસ્પિટલમાં બતાવ્યું હતું, ત્યારે ડોક્ટરે બધું બરાબર હોવાનું જણાવ્યું હતું. પરંતુ અજ્ઞાનતાના કારણે છેલ્લાં બે મહિના દરમ્યાન ક્યાંય તપાસ કરવા ગયા નહોતા. આ ઘટનાના પગલે, વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવાની તાતી જરૂરિયાત અનુભવાઈ રહી છે.