Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને કારણે નદી-નાળામાં પૂર આવ્યું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું. જેતપુર પાવીના વાવડીમાં સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને માનવ સાંકળ બનાવી સલામત રીતે કોઝવે પાર કરાવાયો હતો. બોડેલી તાલુકાના ચલામલી ગામના ભરડા કોતરમાં પૂર આવતા રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને શાળા છૂટ્યા બાદ આજુબાજુના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા.
વિદ્યાર્થીઓ કોતર પાસે પહોંચ્યા ત્યારે પાણીનો સ્તર ખૂબ વધેલો હતો. લગભગ એક કલાક સુધી તેઓએ પાણી ઓછું થવાની રાહ જોઈ, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં ગામલોકોએ આગળ આવી મદદ કરી. રહેવાસીઓએ જીવના જોખમે બાળકોને કોતરના પાણીમાંથી પસાર કરાવ્યા. સૌપ્રથમ મોટા વિદ્યાર્થીઓને, ત્યારબાદ નાના બાળકોને સુરક્ષિત રીતે બીજી બાજુ પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
વાવડીમાં શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા
આવી જ પરિસ્થિતિ જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે પણ સર્જાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ગામ અને શાળા વચ્ચે આવેલ કોતર પર બનેલો લો લેવલ કોઝવે પૂરનાં પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવર બંધ થઈ ગઈ હતી. શાળા છૂટ્યાના સમયે વિદ્યાર્થીઓ કોઝવે પર પહોંચ્યા ત્યારે પાણી ભરાઈ ગયું હોવાથી તેઓ અટવાઈ ગયા હતા. ગામલોકો અને વાલીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. સૌએ મળીને માનવ સાંકળ બનાવી વિદ્યાર્થીઓને સલામત રીતે કોઝવે પાર કરાવ્યા. વરસાદ વચ્ચે જોખમ હોવા છતાં લોકોએ હિંમત દાખવીને બાળકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા.
લો લેવલ કોઝવે પર વારંવાર પાણી ફરી વળે છે
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ લો લેવલ કોઝવે પર વારંવાર પાણી ફરી વળે છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ બને છે. ગામલોકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક યોગ્ય સ્લેબ ડ્રેનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાકૃતિક આફતો વચ્ચે માનવતા કેવી રીતે જીવંત રહે છે. સ્થાનિક લોકોની સતર્કતા અને હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. હવે જો તંત્ર સમયસર પગલાં લે તો ભવિષ્યમાં આવા જોખમમાંથી બાળકોને બચાવી શકાય.