Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નવાપુરા નજીક વહેલી સવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી ઈકો કારને અકસ્માત નડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બોડેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
મુસાફરો ગોંડલથી પોતાના વતન જતા હતા
આ દુર્ઘટના આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ બની હતી. કાર ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી, ત્યારે નવાપુરા ગામ નજીક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તાની બાજુમાં ઉતરી જઈને એક ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર રમેશ સોલંકી નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી હતા. કારમાં સવાર મુસાફરો મજૂરીનું કામ કરતા હતા અને ગોંડલથી મધ્યપ્રદેશમાં પોતાના વતન પરત ફરી રહ્યા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી 42 વર્ષીય રમેશભાઈ ચિમનભાઈ સોલંકીનું મોત થયું છે. જયારે કુલ 10 મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જેમાં વિકાસ વાગલીઓ, સપના સેનાઈ, સુનિતા રાઠવા, શિવરામ ભીળાલા, મીલાબેન નરગા, ચંપાલાલ સેવાની, વિજયભાઈ જાદરિયા, મોહનસિંહ ચૌહાણ, કેસરિયાભાઈ લાલસિંગ, અને કેવલસિંગ બામણીયાનો સમાવેશ થાય છે.
આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતની તપાસ શરૂ કરી છે.