Gandhinagar Accident: ગાંધીનગરમાં કારે અડફેટે લેતા બેના મોતઃ બાઇકને અથડાયા બાદ ચાલકે ગાડી ભગાવતા અન્ય વાહનો સાથે અથડાઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ પટેલની ગાડી સૌ પ્રથમ એક બાઈક સાથે અથડાઈ હતી. બાઈક ચાલક પડી જતા હિતેશે ગાડી ભગાવી મૂકી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Jul 2025 05:29 PM (IST)Updated: Fri, 25 Jul 2025 05:29 PM (IST)
gandhinagar-accident-two-dead-as-car-plows-through-vehicles

Gandhinagar Accident News: ગાંધીનગરના રાંદેસણમાં થયેલા અકસ્માતના બનાવમાં નવો ખુલાસો થયો છે.આરોપી હિતેશ પટેલના પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં તે નશામાં ન હોવાનું જણાયું છે. હિતેશ પટેલે પોલીસને જણાવ્યું કે રાયસણ પેટ્રોલ પંપ પર ઓઈલ બદલાવ્યા બાદ તેમને હિસ્ટિરિયાના કારણે એક સાથે ઘણી છીંકો આવી, જેના કારણે આ ઘટના બની. પોલીસે વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે. આ ઘટનામાં હિતેશની કારે અનેક વાહનોને ટક્કર મારી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા.

બાઇક સાથે અથડાયા બાદ ચાલકે ગાડી ભગાવી મુકી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ પટેલની ગાડી સૌ પ્રથમ એક બાઈક સાથે અથડાઈ હતી. બાઈક ચાલક પડી જતા હિતેશે ગાડી ભગાવી મૂકી હતી. ગાડી ભગાવતાની સાથે જ એક એક્ટિવા સાથે ગાડી અથડાઈ હતી. એક્ટિવા ચાલક પણ નીચે પડી અને ઘાયલ થતા ફરીથી હિતેશે ગાડી ઝડપભેર ભગાવી હતી.

ઝડપભેર જતી ગાડી એક જ્યુપિટર સાથે અથડાઈ હતી, જેમાં જ્યુપિટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યુપીટર સાથે કાર અથડાવીને ફરીથી હિતેશ પુર ઝડપે ભાગ્યો હતો અને ઝડપભેર ભાગેલી કાર વધુ એક એક્ટિવા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ગાડીની ઝડપ તપાસવા માટે સ્પીડોમીટરને એફએસએલ મોકલ્યું છે.

એક પછી એક છીંકો આવતા કાબૂ ગુમાવ્યો?

હિતેશ પટેલનું કહેવું છે કે ઘટના પહેલાં તેમને એક સાથે લગભગ છ છીંકો આવી હતી અને તેના કારણે તેઓ ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. હિતેશ પટેલને હિસ્ટિરિયાની બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, પોલીસ આ મામલે તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.