Gandhinagar Building Slab Collapse: ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર બુધવારે મોડી સાંજે સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, ગાંધીનગર મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
15 ઈજાગ્રસ્ત શ્રમિકોની સારવાર હેઠળ
બચાવ દળોએ આધુનિક સાધનો અને ક્રેનની મદદથી સમયસર હાથ ધરેલા રેસ્ક્યુ ઓપરેશનના પરિણામે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આ હોનારતમાં ઝીરો કેજ્યુલિટી નોંધાઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર આ દુર્ઘટનામાં 15 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હર્ષ સંઘવીએ ઈજાગ્રસ્તોની કરી મુલાકાત
સારવાર હેઠળ શ્રમિકો પૈકી બે શ્રમિકો સંપૂર્ણ સુરક્ષિત હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે બાકીના તમામ શ્રમિકોની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ જાણી અને ફરજ પરના તબીબોને દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની શ્રેષ્ઠ સારવાર માટે તબીબોને તૈનાત કરીને સૂચના આપી હતી.
બિલ્ડિંગની ગુણવત્તાની તપાસના આદેશ
આ ઘટના બનતા જ ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું યોગ્ય પાલન થતું કે નહીં તેમજ સેન્ટિંગ સ્લેબ તૂટવા પાછળ ગુણવત્તા કે અન્ય કોઈ ક્ષતિ જવાબદાર છે કે નહીં તેની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીને આદેશ આપ્યા છે. તપાસ બાદ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
