Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના વાગવા ગામના રહેવાસી રમેશભાઈ મનસુખભાઈ રાઠવા ગત શુક્રવારના રોજ ભારજ નદીના વધેલા પ્રવાહમાં તણાઈ ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના પગલે ડુંગરવાટ પાસેના સુખી ડેમના બે દરવાજા 30 સેમી જેટલા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નદીમાં પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધી ગયો હતો.
ડૂબેલા રમેશભાઈ રાઠવાની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી. જોકે આખો દિવસ તલાશખોરી કરવા છતાં પણ કોઈ સફળતા મળી ન હતી. ડૂબી ગયેલ રમેશભાઈ રાઠવાનો કોઈ અતોપતોના લાગ્યા શોધખોળ થંભાવી દેવામાં આવી હતી.
જોકે, આજે ગામના લોકો પોતે જ ફરીથી શોધખોળ માટે નીકળ્યા હતા. શોધ દરમિયાન જબુગામ નજીકના નદીપ્રવાહમાં એક મૃતદેહ દેખાતા તુરંત ગ્રામજનોએ એનડીઆરએફની ટીમને જાણ કરતા શોધખોળની કાર્યવાહી પૂર્ણ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહ બહાર કાઢ્યા બાદ ગામ લોકોએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, તે રમેશભાઈ રાઠવાની જ લાશ છે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે મૃતદેહને જબુગામની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
રમેશભાઈ રાઠવાનો મૃતદેહ મળી આવતા પરિવાર સહિત ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનો ના ભારે આક્રંદ વચ્ચે મૃતક રમેશભાઈ રાઠવાની અંતિમ વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.