Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. આજે જિલ્લાના તમામ 6 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ પાવી-જેતપુર તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લાના નીચાણવાળા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આજે સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદની વિગતો જોઈએ તો, સંખેડામાં 113 મિ.મી (4.4 ઈંચ), બોડેલીમાં 96 મિ.મી (3.7 ઈંચ), છોટા ઉદેપુરમાં 55 મિ.મી (2.1 ઈંચ), ક્વાંટમાં 38 મિ.મી (1.5 ઈંચ), નસવાડીમાં 33 મિ.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે.
બોડેલી બેટમાં ફેરવાયું, નીચાણવાળી સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા
બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. બોડેલીનું ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે.
નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના 12 માર્ગો બંધ
નસવાડી તાલુકામાં આજે વહેલી સવારથી સતત ભારે વરસાદના કારણે નદી-નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ગામડાઓને જોડતા આંતરિક રસ્તાઓ છે, જ્યાં પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે.
નસવાડી તાલુકાના ભારે વરસાદના પગલે કુલ 12 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજપુરા, નસવાડી-કુકાવટી-વાઘીયા મહુડા રોડ, ગોયાવાંટ-સિમેલ રોડ, લાવાકોઈ-દામણિયા આમ્બા-કેવડી રોડ, ધનિયા ઉમરવા, છક્તર ઉમરવા, સરીપાણી-રાનેડા, દમોલી-ખરેડા, ખરેડા-ખડકીયા, પલાસણી-કરમદી, મોધલા અને કાળીડોળી-નવાગામ જેવા મુખ્ય રસ્તાઓ સામેલ છે.
નસવાડીના નાયબ કાર્યપાલક સંતોષ વસાવાએ લોકોને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. તેમ જ માર્ગ પર તંત્ર દ્વારા મુકાયેલા બેરિકેડ અને ચિહ્નોનું પાલન કરવા સૂચના આપી છે. ખાસ કરીને નદી-નાળા નજીક જવાનું ટાળવા, રાત્રિના સમયમાં રસ્તાઓ પર મુસાફરી ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
દરેક ગ્રામ પંચાયતને પણ તાત્કાલિક સ્થિતિ માટે સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની તકલીફ સર્જાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે. હાલ તંત્ર દ્વારા સ્થિતીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને વરસાદ અટક્યા બાદ જ માર્ગો ફરી ખોલવામાં આવશે.
હાલ પૂરતા બંધ કરવામાં આવેલ 12 મહત્વના માર્ગો
➤ રાજપુરા એપ્રોચ રોડ
➤ નસવાડી-કુકાવટી-વાઘીયા-મહુડા રોડ
➤ ગોયાવાંટ-સિમેલ રોડ
➤ લાવાકોઈ-દામણિયા આમ્બા-કેવડી રોડ
➤ ધનિયા ઉમરવા એપ્રોચ રોડ
➤ છક્તર ઉમરવા રોડ
➤ સરીપાણી-રાનેડા રોડ
➤ દમોલી-ખરેડા રોડ
➤ ખરેડા-ખડકીયા રોડ
➤ પલાસણી-કરમદી રોડ
➤ મોધલા એપ્રોચ રોડ
➤ કાળીડોળી-નવાગામ રોડ