Kutch News: આદિપુરની તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં સોમવારે રજા બાદ કાર પાર્કિંગ એરિયામાં યુનિફોર્મ પહેર્યા વિના બેઠેલા પાંચથી છ છાત્રોને પ્રિન્સિપાલ સુશીલ ઘનશ્યામ ધર્માંણીએ ઘરે જવાનું કહેતાં ઉશ્કેરાયેલા છાત્રોએ હુમલો કરી દીધો હતો. અંજાર તાલુકાના રાપર ખોખરા ગામના એસ.વાય.બી.એ.ના છાત્ર રાજવીરસિંહ મોહનસિંહ ચાવડાએ બબાલ દરમિયાન પ્રિન્સિપાલને કહ્યું હતું કે, અગાઉ તમે મને બેન્ચ ઉપર સરખું બેસવાનું કહી મારો ઇગો હર્ટ કર્યો હતો. તેણે પ્રિન્સિપાલને બધાની વચ્ચે માફી માંગવા કહ્યું અને ત્યારબાદ ગાલ ઉપર જોરથી લાફો ઝીંકી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આચાર્ય પર હુમલા બાદ પોલીસ ફરિયાદ અને વિદ્યાર્થીઓનો વિરોધ
પ્રિન્સિપાલ પર હુમલાના બનાવના મંગળવારે સવારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને કોલેજમાં શિક્ષણકાર્ય બંધ રહ્યું હતું. આચાર્ય સુશીલ ધર્માંણીની ફરિયાદ પરથી આરોપી છાત્રો રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા, મોટી ખેડોઈ ગામના અર્વરાજસિંહ જાડેજા તેમજ અન્ય છાત્રો સામે હુમલો, ફરજમાં રુકાવટ, રાયોટિંગ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની ગંભીર કલમો તળે આદિપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, સેંકડો વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલના સમર્થનમાં સવારથી જ શૈક્ષણિક કાર્યથી અળગા રહી કોલેજમાં એકઠા થઈ ભારે વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં, વિદ્યાર્થીઓએ રેલી યોજી આદિપુર પોલીસ મથકે પહોંચી કસૂરવાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી. મોટી સંખ્યામાં છાત્રોનાં ટોળા ઉમટી પડતાં પોલીસ સ્ટેશન ભરાઈ ગયું હતું અને રસ્તા પર ટ્રાફિક જામ થતાં વાહનો અવરોધાયા હતા.
આચાર્ય પર હુમલામાં સાત આરોપીઓની ધરપકડ
આદિપુરમાં તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ પર છાત્રોના હુમલાના ગંભીર બનાવમાં પોલીસે ગુનાની ગંભીરતા પારખી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે ગણતરીના સમયમાં સાત આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા, કૃપાલસિંહ પરાક્રમસિંહ વાઘેલા, મયુરસિંહ વીરેન્દ્રસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ શક્તિસિંહ સોઢા, જયરાજસિંહ મુન્નાભાઈ ઝાલા, આર્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સત્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.