Bhavnagar: ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા અઢી દાયકાથી હિન્દુ સંગઠનો ભાવનગરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવાની માંગ કરી રહ્યાં હતા. 3 દિવસ અગાઉ પણ હિન્દુ સંગઠનો દ્વારા ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. જે બાદ આજે અશાંતધારો લાગુ કરવાની માંગ પર મંજૂરીની મહોર લાગી ગઈ છે.
હકીકતમાં ભાવનગરના કેટલાક વિસ્તારોમાં લઘુમતી સમાજ દ્વારા સસ્તા ભાવે મિલ્કતોની ખરીદી કરીને હિન્દુઓની વસાહતોને પચાવી પાડવામાં આવતી હતી. ખાસ કરીને શહેરના ક્રેસન્ટ, ગીતા ચોક, મેઘાણી સર્કલ, ઘોઘા સર્કલ, ઘોઘા રોડ, વડવા સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં જે પ્રમાણે મિલકતોના સોદા થઈ રહ્યા છે, તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત અન્ય શહેરોમાં જેમ અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે, તેમ ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો છેલ્લા ઘણાં વર્ષોથી લડત ચલાવી રહ્યા હતા. થોડા દિવસ અગાઉ ભાવનગરના ધારાસભ્યો અને સાંસદોના નિવાસ સ્થાને રામધૂન બોલાવી દેખાવો કરવાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આજે વહીવટી તંત્ર દ્વારા ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવાનું નોટીફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે.
ક્યા-ક્યા વિસ્તારોમાં અશાંતધારો લાગુ પડશે?
ભાવનગરના ભગા તળાવ, બોરડી ગેટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલક નગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદનગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, ભરત નગર, કરચલિયા પરા, શિવાજી સર્કલ સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડશે.
શું છે અશાંતધારો?
અશાંત ધારા અંતર્ગત આવતા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી આવશ્યક છે. જિલ્લા કલેક્ટર મિલકત ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધે છે. જે બાદ કલેક્ટરને યોગ્ય લાગે તો જઆ સોદો થયેલો ગણાય છે. આ ધારામાં કલેક્ટરને કેટલીક ખાસ સત્તા આપવામાં આવી છે. જેમાં આવા વિસ્તારોમાં કોઈ મિલકત ટ્રાન્સફર થઈ હોય અને તેમાં કલેક્ટરને શંકા જાય, તો સુઓમોટો ફરિયાદ દાખલ કરીને પોતાની રીતે તપાસ હાથ ધરી મૂળ માલિકને તેની મિલકત પાછી આપવાની સત્તા આપવામાં આવી છે.