Gujarat Rain Data | Aravalli: રાજસ્થાન ઉપર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત આવતા સતત ત્રીજા દિવસે આ ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે આખા દિવસ દરમિયાન 177 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 113 મિ.મી (4.4 ઈંચ) વરસાદ દ્વારકામાં ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, વલસાડના કપરાડામાં 107 મિ.મી (4.2 ઈંચ), છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 99 મિ.મી (3.9 ઈંચ),તાપીના વ્યારા અને વલસાડના ધરમપુરામાં 90-90 મિ.મી (3.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભીલોડામાં સૌથી વધુ 57 મિ.મી (2.2 ઈંચ), મહેસાણાના ખેરાલુમાં 35 મિ.મી, પાટણના શંખેશ્વરમાં 30 મિ.મી, મહેસાણાના સતલાસણામાં 22 મિ.મી, અરવલ્લીના મેઘરજમાં 21 મિ.મી, પાટણના સાંતલપુરમાં 15 મિ.મી, મહેસાણાના જોટાણામાં 14 મિ.મી વરસાદ પડ્યો છે.
માત્ર સવા 2 ઈંચ ખાબકેલા વરસાદના કારણે ભિલોડાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. જ્યારે ભિલોડાને ઈડર સાથે જોડતા હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે આખા દિવસ દરમિયાન 65 તાલુકામાં 1 ઈંચથી વધુ, 31 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.