Anand News: આણંદ જિલ્લામાં એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે, વહેરાખાડી પાસે પતિએ પત્ની પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. બુધવારે બપોરના સમયે બનેલી આ ઘટનામાં પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભાલેજ પાસે આવેલા બડાપુરા ગામના રહેવાસી દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધના વહેમને કારણે ઝઘડા ચાલી રહ્યા હતા. જેથી પત્ની ક્રિષ્નાબેન પટેલ છેલ્લા એક માસથી પોતાના પિયરમાં રહેતા હતા.પતિ આશિષભાઈ સુરેશભાઈ પટેલે પત્નીને મહી સાગર નદી પર ફરવા જવાનું કહી વહેરાખાડી નજીક લઈ ગયો હતો અને ત્યાં કોતરો વિસ્તારમાં લઈ જઈ તેણે અચાનક તલવાર વડે પત્ની ક્રિષ્નાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો.
પતિ આશિષ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મહિલાના બંને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ લોહી લુહાણ હાલતમાં પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હુમલા પછી આરોપી પતિ આશિષભાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ખંભોળજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચેનો આડા સંબંધનો વહેમ અને સતત ઝઘડા આ હુમલાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. હાલ પોલીસે પત્ની પર જીવલેણ હુમલો કરનાર આરોપી પતિની શોધખોળમાં લાગી ગઈ છે અને તેના વિરુદ્ધ ગંભીર ગુનાહિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે