ANAND: આણંદ શહેરના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હત્યા પાછળની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
જૂની અદાવત બની હત્યાનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા જૂની અદાવતને કારણે કરવામાં આવી હતી. વર્ષ 2023માં એક યુવતીની છેડતીના કેસમાં પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેકે આરોપીઓ ફૈઝલ મલેક (23) અને અયાન મલેક (20)ને જાહેરમાં માર માર્યો હતો અને તેમનો વરઘોડો કાઢ્યો હતો. આ અપમાનનો બદલો લેવા માટે બંનેએ ઈકબાલ મલેકની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
અમદાવાદની હોસ્પિટલમાંથી હત્યારાઓ ઝડપાયા
હત્યા બાદ ફૈઝલ અને અયાન ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે અમદાવાદના જુહાપુરાની એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આણંદ પોલીસે તાત્કાલિક અમદાવાદ પોલીસની મદદથી બંને આરોપીઓને હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો
હાલમાં બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આ ઘટનાના અન્ય પાસાઓ પર તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.