Amreli News: છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગના ડેમ, તળાવ અને ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાઠીના દૂધાળા ગામમાં આવેલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત સરોવર નવા નીરથી છલકાઈ ગયું છે. બાબરા-પાંચાળ પંથકથી લાઠી અને લીલિયા સુધીના આ સરોવરના મનમોહક આકાશી દૃશ્યો સામે આવ્યા છે.
ગાગડીયો નદીના આકાશી દ્રશ્યો
લાઠી તાલુકામાંથી ગાગડીયો નદી પસાર થાય છે. આ નદી પર બનાવવામાં આવેલા હરસુરપુર, દેવળીયાથી ક્રાકચ સુધીના તમામ જળાશયો પાણીથી ભરાઈ ગયા છે. આ જળસંચયથી આસપાસના વિસ્તારના ખેડૂતોને મોટી રાહત થઈ છે અને ખેતી પાકને મોટો ફાયદો થશે.ગાગડીયો નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

ગાગડીયો નદી પર અનેક સરોવરોનું નિર્માણ
ગાગડીયો નદી પર અનેક સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સરોવરોના ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીથી લઈને અન્ય મંત્રીઓ દ્વારા પણ કરવામાં આવ્યા છે. ગાગડીયો નદી પર બનાવેલા આ તમામ સરોવરો પંથકના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે, કારણ કે તેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે અને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહી છે.

ઠેબી ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડાયું
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે. ડેમમાંથી 556 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અમરેલી ચાપાથળ, પ્રતાપપરા સહિતના નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.