Gujarat Rains News: લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રાપાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો
સુત્રાપાડા તાલુકામાં વરસાદે ખાસ કરીને કેર વર્તાવ્યો છે. વહેલી સવારે 4 થી 6 વાગ્યાના બે કલાકના ટૂંકા ગાળામાં જ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાની થઈ હતી. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં 11 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે.

જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો
સુત્રાપાડા ઉપરાંત ગીર સોમનાથના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગીર ગઢડામાં 5 ઇંચ, પાટણ-વેરાવળમાં 6 ઇંચ, કોડીનારમાં 5 ઇંચ, અને તાલાલા તથા ઉનામાં અઢી-અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
