Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા-અમરેલી હાઈવે પર વહેલી સવારે સિંહની લટાર મારી હતી. ખાંભાથી અમરેલી જતા હાઈવે રોડ પર એક ડાલામથ્થો સિંહ શિકારની શોધમાં રસ્તા પર આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના ખાંભા-અમરેલી રોડ પર આવેલા પિંગળવીર હનુમાનજી મંદિર નજીક બની હતી. સિંહ રસ્તા પર આરામથી લટાર મારતો હોવાથી વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. મીતીયાળા અભ્યારણ અને જંગલ ખાંભા શહેરની નજીક હોવાથી અવારનવાર સિંહો શિકારની શોધમાં રસ્તા પર આવી ચડે છે.
સ્થાનિક વાહન ચાલકોએ આ ડાલામથ્થા સિંહનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ખાંભા-અમરેલી રોડ પર સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.