Amit Shah Launches Dial 112 in Gujarat: આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર રામકથા ગ્રાઉન્ડ ખાતે DIAL-112 અંતર્ગત શરૂ થઈ રહેલ જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.

આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતની સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ ત્રણેય કદમો માટે શુભેચ્છાઓ પાઠવી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઐતિહાસિક કદમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યો છે. ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ.૨૧૭ કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મળીને એક હજાર પોલીસ વાહનોનું લોકાર્પણ કાર્યક્રમ આયોજિત થયો છે. શાહે પોતાનો જન્મ અને ઉછેર માણસામાં જ થયો અને માણસાથી જ ગુજરાતની અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની યોગ્યતા કેળવી છે તેમ જણાવતા કહ્યું કે આજે તેમના માટે પણ મહત્વનો દિવસ છે આજે માણસા પોલીસ સ્ટેશનને પણ BIS દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે તેનો આનંદ છે.
ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજયોમાંથી એક રાજ્ય છે. દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર સંવેદનશીલ છે તેનાથી સૌ પરિચિત છે. ગુજરાતનો સાગર કિનારો, કચ્છની સરહદ, બનાસકાંઠાની સરહદ કોંગ્રેસના શાસનના જમાનામાં દેશની સુરક્ષા સામે અનેક પ્રશ્નચિહ્નો ઊભા કરવા વાળી ઘટનાઓ ગુજરાતની સરહદથી થઈ. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન આવ્યું ત્યારથી અને નરેન્દ્રભાઇ મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની સરહદો આપણાં દુશ્મનો માટે અભેદ કિલ્લા જેવી બનાવવાનું કામ ગુજરાતની ભાજપા સરકારે કર્યું છે. વિધ્યાર્થી પરિષદના કાર્ય માટે ઉનાળુ વેકેશનમાં પોરબંદર જવાનું થયું ત્યારે સાથે ભાડાની જીપ પોરબંદરની સરહદમાં ઘૂસી ત્યારે એક મોટું બોર્ડ હતું કે ‘કાયદો અને વ્યવસ્થાની સરહદ પૂર્ણ થાય છે, પોરબંદર શરૂ થાય છે’. ગુજરાત સરકારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી અને પોરબંદરની જેલને બંધ કરવી પડી હતી તે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હતી. સમગ્ર દેશમાં સૌથી વધુ તોફાનો ગુજરાતમાં થતાં હતા.
આ પણ વાંચો
અમદાવાદ શહેરમાં સતત ૨ વર્ષ, ૨૫૦ દિવસથી વધુ કર્ફ્યૂ લાગ્યો હોય તેવી ઘટનાઓ થઈ હતી. આજે એ જ ગુજરાત સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નંબર એક પર પહોંચ્યું છે. એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસન ધુરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર ગુના જેવા અનેક પ્રકારના ગુનાઓ પર લગામ ખેંચી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જે ચીલો ચીતર્યો તેને ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવીજીએ આગળ વધારવાનું કાર્ય કર્યું છે અને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સુંદર રીતે કર્યું છે. મંચ પરથી દેશના ગૃહ મંત્રી તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હ્રદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ શાહે પાઠવી હતી.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ૧૧૨ નો પ્રોજેક્ટ દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે તે માટે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની કલ્પના છે. ગુજરાત DIAL-112 પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન નોંધાવી રહ્યું છે. અનેક પ્રકારના ટોલ ફ્રી નંબરોની માયાજાળમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થઈ જશે. પોલીસ માટે ૧૦૦ નંબર, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, ફાયર માટે ૧૦૧, વુમન હેલ્પ માટે ૧૮૧, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮, ડીઝાસ્ટર માટે ૧૦૭૦, ૧૦૭૭ જેવા અનેક પ્રકારના નંબરોની ગૂંચ પ્રજાને મૂંઝવણ હતી આજે કોઈપણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય તો એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાથી ખૂબ ઓછા સમયમાં તમારા સુધી આ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે.
સોફેસ્ટીકેટેડ સોફ્ટવેરથી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી તમામ પ્રકારની સેવાઓનું સંકલન અને GPSથી સુસજ્જ પોલીસ વાહનો, એમ્બ્યુલન્સના વાહનોની મોટી હારમાળા અને કોલરનું લોકેશન શોધી દરેક ઇમરજન્સી કંટ્રોલને સુવિધાઓની માહિતી પહોંચાડવાની સુવિધા એક પ્રકારે ન્યુ એજ સ્માર્ટ, પોલીસ ઇન સિસ્ટમ ની દિશામાં આજે મહત્વપૂર્ણ કદમ ગુજરાત સરકારે ઉઠાવ્યો છે. આ પરિયોજનામાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કેન્દ્રિય પ્રબંધન હેઠળ ૨૪ કલાક અમદાવાદમાં કાર્યરત રહેશે. ૧૫૦ સીટોની ક્ષમતા ધરાવતું કોલસેન્ટર દરેક સેકન્ડ એલર્ટ રહી એકીકૃત પ્રણાલીથી તમામ પ્રકારની સેવાઓથી જોડાયેલું રહેશે. ૧૧૨ના નિભાવ માટે વર્ષે આશરે રૂ. ૯૨ કરોડ ખર્ચ ગુજરાત સરકાર કરવાની છે. આ વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, mdvt વાયરલેસ સેટ, લોકેશન ટ્રેકર જેવી દરેક પ્રકારની સુવિધા પૂર્ણ વ્યવસ્થાઓ થઈ છે. આદરણીય મોદીજીએ દેશના પોલીસ બેડાને આહ્વાન કર્યું હતું તેનું આજે ગુજરાત સરકારે ખૂબ સુંદર આધુનિક ટેકનોલોજીથી યુક્ત નિર્વહન કરવાનું કાર્ય કર્યું છે તેમ શાહે જણાવ્યું હતું.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, પોલીસ બેડાના નિવાસો માટે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડે બનાવેલ લગભગ રૂ.૨૧૭ કરોડના હોમગાર્ડ, ઝેલ, પોલીસ જેવા અલગ અલગ પ્રોજેક્ટ એક સાથે આજે લોકાર્પણ થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં તમામ ભવનોમાંથી સારી સુવિધાઓ સાથે પોલીસના કર્મચારીઓ હોમગાર્ડના જવાનો, જેલના કર્મચારીઓ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતાની સેવા થઈ શકે તેવી વ્યવસ્થા પણ થઈ છે. આદરણીય વડાપ્રધાન મોદીજીના ૧૧ વર્ષના કાર્યકાળના સમયમાં દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષા માટે આજે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં એ વાત પ્રસ્થાપિત થઈ છે કે ભારતની સેના અને સીમા તેની સાથે છેડખાની ન કરાય તે સુનિશ્ચિત છે. એક જમાનો હતો કોંગ્રેસના શાસનમાં સમગ્ર દેશની અંદર અનેક જગ્યાઓ ઉપર અનેક વર્ષો સુધી બોમ્બ ધમાકાઓની સીરિઝ ચાલી અને તેમાં કેન્દ્ર સરકારનો કોઈ પ્રતિસાદ મળતો ન હતો.
પાકિસ્તાનની સામે આ દેશના કોંગ્રેસના વડાપ્રધાનો હરફ ઉચ્ચારવાની હિંમત નહોતી. જ્યારે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા ત્યારથી ઉરી, પુલવામાં અને પહલગામ ત્રણ મોટા હુમલા કરવાની ભૂલ પાકિસ્તાને કરી અને ત્રણેય વખત પાકિસ્તાને હંમેશા માટે મજબૂત દંડ આપવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે કર્યું છે. પ્રથમ વખત સર્જીકલ સ્ટ્રાઈક કરી, પછી એર સ્ટ્રાઈક કરી પછી ત્રીજી વખત પી.ઓ.કે નહીં પાકિસ્તાનની સરહદમાં ૧૦૦ કી.મી અંદર જઈ ઓપરેશન સિંદુર કરી આતંકવાદીઓના હેડક્વૉર્ટરનો ખાતમો બોલાવવાનું કાર્ય કર્યું છે અને દુનિયાભરમાં એક મજબૂત સંદેશ ભારતે મોકલ્યો છે કે ભારત પોતાની આત્મરક્ષાના અધિકારના ઉપયોગ માટે કોઈપણ સ્તરે જઈ દેશના નાગરિકો અને દેશની સીમાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. ઓપરેશન સિંદૂર એ જે લોકોએ આતંકી ઘટનાની ડિઝાઇન કરી હતી તે આકાઓને ધૂળ ચાટતા કર્યા અને જેમને તેનો અમલ કર્યો હતો તે ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓને ઓપરેશન મહાદેવ એ જમીનની અંદર મિલાવવાનું કાર્ય કર્યું છે. ૧૧ વર્ષમાં ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ ટેરેરીઝમ એ થીયરી માત્ર સૂત્ર નથી તેને જમીન પર ઉતારવાનું કામ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇએ કર્યું છે.
આ દેશની અંદર ઉત્તર પૂર્વ હોય કે નક્સલ પ્રભાવી ક્ષેત્ર હોય કે ચાહે કાશ્મીર હોય ત્રણેય સ્પોટની અંદર આતંકવાદી અને હથિયારી ગ્રુપોને દંડનો પાઠ ભણાવવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રમોદીની સરકારે કર્યું છે. ઉત્તર પૂર્વ નોર્ટ ઈસ્ટમાં ૧૦ હજારથી વધુ લોકોએ શરણાગતિ સ્વીકારી અને કાઠમંડુથી તિરૂપતિ સુધીમાં રેડકોરિડોરનું સ્વપ્ન દેખનાર આતંકવાદીઓ આજે સમાપ્ત થવાની કગાર પર છે. ગુજરાતની ધરતી પર વિશ્વાસ સાથે કહ્યું હતું કે ૩૧/૩/૨૦૨૬ના દિવસે સમગ્ર દેશમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ જશે તે ભારત સરકારનો સંકલ્પ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર નાગરિકોની સુવિધા માટે ત્રણ અપરાધીક ન્યાય પ્રણાલીના નવા કાયદા લઈને આવી છે તેના અમલીકરણ માટે ગુજરાતના ગૃહ વિભાગે ખૂબ સુંદર કામગીરી કરી છે. દેશભરમાં ૧ થી ૫માં દરેક ક્ષેત્રની અંદર ગૃહ વિભાગ રહે છે તે ગૌરવ અને સંતોષની વાત છે તેમ શાહે જણાવ્યું હતું. બધા ગુનામાં કુલ અપરાધ દર ૧ લાખના અનુપાતમાં રાષ્ટ્રીય એવરેજ ૩૦ની છે જેમાં ગુજરાતની ૧૧ની અડધાથી પણ ઓછી છે. હત્યા ૨.૧ ની છે અને ગુજરાત ૧.૪, અપહરણ ૭.૪ ગુજરાત ૨.૩, મહિલાઓ વિરુદ્ધ અપરાધ ૬૪.૫ જ્યારે ગુજરાતમાં ૨૨.૧ અને શરીર સંબંધી ગુનાઓ ૮૦.૫ અને ગુજરાતમાં ૨૮.૬ છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ સંબોધન કરતાં કહ્યું કે, આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મ જયંતી દેશભરમાં ઉજવાઇ રહી છે. અખંડ ભારતના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર, લોહ પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ દેશનું ગૌરવ છે. બીજો ગૌરવ એ છે કે દેશના કર્મઠ ગૃહ તેમજ દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશના સૌથી લાંબા સમય સુધીના ગૃહમંત્રી તરીકેનો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતા વતી અમિતભાઈ શાહ સાહેબને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા. દેશ આંતરિક સુરક્ષા ખૂબ મજબૂત બની છે અને સમય અનુકૂળ તેમજ ભારતના પોતાના કાયદા કહી શકાય તેવા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પણ દેશને મળ્યા છે. તાજેતરના સંસદ સત્રમાં ૧૩૦મો સંવિધાનીક સુધારો શાહ સાહેબે સૂચવીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના દિશાદર્શનમાં દેશની રાજનીતિમાં નૈતિકતા અને ઈમાનદારી લાવવાનું પગલું ભર્યું છે તેમ ભુપેન્દ્રભાઇએ જણાવ્યું હતું.
ભુપેન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું કે, રાજનીતિમાં કે શાસન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની વાત હોય કે દેશની આંતરિક સુરક્ષાને સર્વોચ્ચ રાખીને નક્સલવાદને સમાપ્ત કરવાની વાત હોય આદરણીય અમિતભાઈએ નેશન ફર્સ્ટની ભાવનાથી સરદાર સાહેબના પગલે ચાલીને દેશને મજબૂત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે રાષ્ટ્ર અને રાજ્યને પણ આદરણીય મોદી સાહેબના શાસનમાં પ્રાથમિકતા અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ વિકસાવેલી આ વિકાસની રાજનીતિ હમણાં ૨ દિવસ પહેલા સૌએ જોયું છે કે ઇન્ડી ગઠબંધન અને વિપક્ષને એ પચી નથી. પરિવારવાદને પોષનાર આવા લોકો સાવ બોખલાઈ ગયા છે. વિપક્ષ એટલો હતાશ થઈ ગયો છે કે, રાષ્ટ્રહિત પ્રથમના સ્થાને રાખી ૧૪૦ કરોડ ભારતવાસીઓની સેવામાં સમર્પિત મોદી સાહેબ અને તેમના સ્વર્ગસ્થ માતા માટે હલકી કક્ષાની ભાષાના નારા ઇન્ડી ગઠબંધનની સભામાં મંચ પરથી લગાવવામાં આવ્યા છે. આ લોકો સ્પષ્ટ સમજી લે કે મોદી સાહેબ અને તેમના સ્વર્ગસ્થ માતાના અપમાન માટે દેશ એમને ક્યારેય માફ નહીં કરે તેમ જણાવ્યું હતું.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશને દરેક ક્ષેત્રે ટેકનોલોજીને સતત પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે. અમિતભાઈ શાહ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજ્યના પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવતા પ્રકલ્પો આજે ગુજરાતને મળી રહ્યા છે. સાથે સાથે DIAL-112 અધ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જેટલી જનરક્ષક વાનનું લોકાર્પણ થવાનું છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પ લાઇન, ચાઈલ્ડ હેલ્પ લાઇન અને ડીજાસ્ટર હેલ્પ લાઇનને બદલે હવે નાગરિકો માટે એક જ નંબર ઉપરથી ઇમરજન્સી હેલ્પલાઇન સેવા સુલભ કરવામાં આવી છે. એક નંબર અનેક સેવાઓ DIAL-112 નો આ જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુવિધા માટે સરકારનો વિઝનરી પ્રયાસ બનશે તેવો વિશ્વાસ ભુપેન્દ્રભાઇ પટેલે વ્યક્ત કર્યો હતો.