Ration Card: સયુક્ત કુટુંબમાં રહેતા લોકો રેશનકાર્ડને અલગ કરવા ઈચ્છે તો શું કરવું તે અંગેની વિગતો આજે અહીં ગુજરાતી જાગરણ તમને જણાવશે. એટલે કે એક પરીવારમાં બે ભાઈ અને માતા-પિતાનું સયુક્ત કુપન (રેશનકાર્ડ) હોય તો બન્નેના અલગ અલગ નવા રેશનકાર્ડ કેવી રીતે મેળવવા તે અંગેની વાત અહીં જણાવીશું.
આ માટેની પ્રક્રિયા સાવ સરળ છે. તમારે એક ફોર્મ એટલે કે નમુના નંબર 5નું ફોર્મ જે નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ હોય છે તે ભરવાનું હોય છે. આ ફોર્મમાં તમામ સરળ વિગતો ભરવાની હોય છે. આ ફોર્મ તમારે મામલતદાર કચેરીએ કે ઝોનલ ઓફિસરને આપવાનું હોય છે.
બે ભાઈના કે માતા-પિતાથી પુત્રનું અલગ રેશન કાર્ડનું ફોર્મ ભરવામાં નીચેની વિગતો ફોર્મમાં ભરવાની હોય છે.
- અરજદારનો ફોટો
- હાલ જ્યાં રહેતા હોય તેની વિગતો
- જેના નામે રેશનકાર્ડ હોય તેનું નામ
- રેશનકાર્ડ નંબર
- કુલ સભ્યો
- તેમાંથી અલગ થવા ઈચ્છતા સભ્યો
- સમગ્ર સરનામુ
- રાંધણગેસ કનેક્શન છે કે નહીં
- હોય તો ગેસ એજન્સીનું નામ
- ગેસ કનેક્શન નંબર
- બેન્કની વિગતો- નામ, એકાઉન્ટ નંબર, બેન્કનું સ્થળ, આઈએફએસકોડ.

બીડાણ કરવાના પુરાવા
1). અસલ રેશનકાર્ડ
2). રહેણાંકના પુરાવાની નકલ.
3). માલિકીના કિસ્સામાં આકારણી પત્રક/મિલકત વેરાની પહોંચ/ પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવી.
4). ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવો.
5). ઝૂંપડપટ્ટીનાં કિસ્સામાં આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડની નકલ રજૂ કરવી.
તમામ પુરાવાની સ્વયં પ્રમાણીત ઝેરોક્ષ નકલ આપવાની ફરજીયાત છે પરંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહીં.

