Ayodhya Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન શ્રીરામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર દેશમાં આ ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સમગ્ર દેશમાંથી અલગ-અલગ વસ્તુ શ્રીરામ મંદિર વિશેષ પૂજા કરીને મોકલવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના તિરુપતિ મંદિરમાં હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલી 7 કિલો ચાંદી, 2 કિલો સોનાની અને હીરાજડિત શ્રી રામ પ્રભુની મુખ્ય પાદુકા વિશેષ પૂજા માટે લાવવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, આ સુવર્ણજડિત શ્રીરામ પ્રભુની મુખ્ય પાદુકા શ્રીરામ મંદિરમાં મૂકાશે. જે અત્યારે દેશના રાજ્યોમાં ફરી રહી છે. હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ 41 દિવસ સુધી સાથે રાખીને અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ પછી પાદુકાની રામેશ્વરમ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી.
બાલાજી મંદિર ટ્રસ્ટી કે. સુબ્બારાયુડૂએ પોતાના માથે લઈ વેદોના મંત્રોચ્ચાર સાથે ખાસ પૂજા કરી અમદાવાદના બાલાજીના મંદિરમા પ્રવેશ કરાવ્યો હતો. જેના પછી લોકોના દર્શન માટે પાદુકાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાંથી અમુક દર્શાનાર્થીઓએ પાદુકાને પોતાના માથા પર મૂકી આર્શીવાદ લેવાનો લ્હાવો મળ્યો હતો. જ્યારે સાંજે મંદિર ખાતે પૂજા પાદુકા ટૂંક સમયમાં જ અહિંથી પોતાના આગળના માર્ગ તરફ લઈ જવાઈ છે. મંદિરમાં વૈદિક મંત્રોચાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી.