Ahmedabad News: ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપ સરકારના મંત્રી રહી ચૂકેલા રમણ વોરા ખોટા ખેડૂત બન્યા હોવાના કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડર મામલતદાર અને કૃષિ પંચે આ મામલે તેમને નોટિસ ફટકારી છે. ઓગણજ ગામમાં સર્વે નંબર 719/3ની જમીનના ખેડૂત તરીકે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલના નામે, અટક વિનાનો ખેડૂત ખરાઈનો દાખલો રજૂ કરીને તેમણે પાલજ અને ત્યારબાદ ઈડર નજીક આવેલા દાવડ ગામમાં જમીનો ખરીદી હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તંત્ર દ્વારા આ મામલે પગલાં લેવામાં આવ્યા છે.
આ કેસની સુનાવણી માટે આગામી 11 સપ્ટેમ્બરે રમણ વોરાને તેમની પત્ની કુસુમબેન વોરા અને તેમના બંને પુત્રો સુહાગ અને ભૂષણ સાથે હાજર થવા માટે મામલતદારે નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, દાવડની જમીનના જૂના ખાતેદારોને પણ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ નોટિસ ગુજરાત ગણોતધારાની કલમ 63 (ક) અને 63 (ઘ)ના ભંગના આધારે ફટકારવામાં આવી છે. જો આ તમામ પક્ષકારો હાજર નહીં રહે તો ગુણદોષના આધારે નિર્ણય લેવામાં આવશે. આ કેસમાં અન્ય બિનખેડૂતોના નામે પણ જે જમીનની ખરીદી થઈ હશે, તે તમામ નોંધો રદ થવાની શક્યતા છે.
નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઈડરના દાવડ ગામમાં આવેલી રીસર્વે નંબર 548, 549, 551 અને 581ની જમીનોના વેચાણમાં ગણોતધારાનું ઉલ્લંઘન કરીને બિન-ખેડૂત વ્યક્તિઓની તરફેણમાં જમીન તબદીલ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર વ્યવહારને કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવશે અથવા જમીનને વેચાણ પહેલાંની મૂળ સ્થિતિમાં પાછી લાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે તમામ 9 પક્ષકારોને તેમના ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે, જેનાથી આ કેસની પારદર્શકતા અને યોગ્યતા જળવાઈ રહે. આ ઘટના રાજકીય નેતાઓ દ્વારા ખેતીની જમીન ખરીદવાના કાયદાકીય નિયમોના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઉભા કરે છે.