Ahmedabad News: ગોતા વિસ્તારમાં આવેલા સેવન બ્લીસ ફ્લેટમાં એક કરુણ ઘટના બની હતી, ત્યા અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી 5 વર્ષીય દર્શ પટેલનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. સોસાયટીમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં લોખંડના ઢાંકણાના બદલે ફાઇબરના ઢાંકણા લગાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના બની હોવાનું રહીશો જણાવી રહ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટાંકીમાં પડી જવાથી મોત થયું
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ સેવન બ્લિસ સોસાયટીમાં 5 વર્ષીય દર્શ પટેલ નામનું બાળક તેના પરિવાર સાથે રહેતું હતું. સોમવારે સાંજના સમયે દર્શ પણ અન્ય બાળકો સાથે નીચે રમવા ગયો હતો. જે સાયકલ લઈને તે નીચે રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી એક ભાઈ પસાર થયા ત્યારે તેમણે જોયું કે, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી ખુલ્લી હતી જેથી આજુબાજુના બાળકોને પૂછ્યું હતું. ત્યા બાજુમાં દર્શની સાયકલ એકલી પડી હતી.
18 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ ટાંકી હતી
તેઓએ અંદર ટાંકામાં જોયું તો દર્શ ઢાંકણા સાથે અંદર પડેલો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે ફલેટના રહીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. 18 ફૂટ ઊંડી પાણીની ટાંકી કે જેમાં 11 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. બાળકને બહાર કાઢીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસે તપાશ શરુ કરી
આ દરમિયાન સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, સોસાયટીમાં જે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેમાં ઢાંકણા ફાઇબરના રાખવામાં આવેલ છે. લોખંડના ઢાંકણા રાખવામાં આવ્યા નથી. ટાંકીમાં નીચે ઉતારવા માટે કોઈપણ પ્રકારની અંદર સુવિધા રાખવામાં આવી નથી. સોલા પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.