PM Modi Ahmedabad Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઈકાલે અમદાવાદ પ્રવાસ દરમિયાન એક અનોખો અને ભાવુક દૃશ્ય જોવા મળ્યા હતા. જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નિકોલ વિસ્તારમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં એક મહિલા હાથમાં આરતીની થાળી લઈને ઊભી હતી અને મોદીને જોઈને ભાવુક થઈને રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને લોકો દ્વારા તેને ભારે પ્રશંસા મળી રહી છે.

વિલાસબા સિસોદિયાએ કહ્યુંઃ "મારા માટે ઘેરબેઠાં ભગવાન આવ્યા"
આ ભાવુક થનાર મહિલાની ઓળખ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા તરીકે થઈ છે, જે અમદાવાદના નિકોલમાં રહે છે. વિલાસબા મોદીના પ્રખર સમર્થક છે. તેમણે જણાવ્યું હતું કે, “મારા માટે મોદીજી મારા માતા-પિતા પછી સૌથી પૂજનીય છે. મારા ઈષ્ટદેવ ભોળાનાથની જગ્યાએ હું મોદીસાહેબને રાખું છું. મને આજે એવું લાગ્યું કે જાણે મારા ઘેરબેઠાં ભગવાન આવ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આ લાગણીને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.
મોદીના રાજમાં સુરક્ષા અને સ્વતંત્રતા
વિલાસબાએ 1984ના રમખાણો અને કર્ફ્યુના સમયને યાદ કરતાં કહ્યું કે, “એ સમયે સ્વતંત્રતા નહોતી. પરંતુ આજે મોદીજીના કારણે આપણે બધા સ્વતંત્રતાપૂર્વક હરીફરી શકીએ છીએ, આપણાં બાળકો અને બહેન-દીકરીઓ રાત્રે પણ સુરક્ષિત રીતે બહાર ફરી શકે છે.” તેમણે મોદીને ‘સૂર્યદેવતા’ સમાન પ્રત્યક્ષ દેવતા ગણાવ્યા. જ્યારે પીએમ મોદીએ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા, ત્યારે વિલાસબાએ કહ્યું કે તે ક્ષણ તેમના માટે જીવનનો સૌથી મોટો અહોભાગ્ય હતી.