Ahmedabad Slab Collapse: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ અચાનક એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં, ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો સીધા ભોંયરામાં પટકાયા હતા. આ દુર્ઘટનાના કારણે ગણેશ સ્થાપનાના પવિત્ર પ્રસંગે જ વિઘ્ન ઊભું થયું હતું અને સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી
સ્લેબ ધરાશાયી થતાં જ એક માતાએ પોતાના નાના બાળકને બચાવવા માટે બુમરાણ મચાવી હતી. તેમની ચીસો સાંભળીને તાત્કાલિક સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે એકબીજાની મદદથી નીચે પટકાયેલા કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે દટાયેલી એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
ગણેશ સ્થાપના માટે મોટી ભીડ ભેગી થઈ હતી
મળતી માહિતી મુજબ, નવા નરોડાના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા આ કોમ્પ્લેક્સમાં ગણેશ સ્થાપના માટે મોટી ભીડ ભેગી થઈ હતી. આ જ સમયે કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ તૂટીને સીધો ભોંયરામાં પડ્યો હતો. ફાયરબ્રિગેડના અધિકારી સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું કે, તેમની ટીમ પહોંચી તે પહેલાં જ સ્થાનિક લોકોએ બે-ત્રણ વ્યક્તિઓને બહાર કાઢી લીધા હતા, જ્યારે ફાયર ટીમે એક વ્યક્તિને બચાવી હતી. આ ઘટનામાં કુલ બેથી ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ તહેવારની ઉજવણીમાં ખલેલ પહોંચાડી હતી અને ઈમારતોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.