Ahmedabad School Stabbing: સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ અન્ય વાલીઓ તેમના બાળકોના LC લેવા ઉમટ્યા, છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ અરજી

વાલીઓને પોતાના બાળકો આ શાળામાં સુરક્ષિત નથી લાગતા, જેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે સ્કૂલ પર ધસારો કરી રહ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 28 Aug 2025 01:07 PM (IST)Updated: Thu 28 Aug 2025 01:07 PM (IST)
ahmedabad-seventh-day-school-stabbing-parents-rush-for-leaving-certificate-transfer-593090
HIGHLIGHTS
  • વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તાત્કાલિક પગલાં ભર્યા છે.
  • વાલીઓને તેમના બાળકોનું LC મેળવવામાં સરળતા રહે અને અન્ય શાળાઓમાં પ્રવેશ મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે.

Ahmedabad Seventh Day School Stabbing: અમદાવાદના મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાનો મામલો ગંભીર રૂપ લઈ રહ્યો છે. આ ઘટના બાદ વાલીઓને પોતાના બાળકો આ શાળામાં સુરક્ષિત નથી લાગતા, જેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે સ્કૂલ પર ધસારો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓ પાસે 100થી વધુ અરજીઓ આવી છે. વાલીઓએ મણિનગર અને આસપાસની અન્ય શાળાઓમાં પણ તેમના બાળકોને પ્રવેશ અપાવવાની તૈયારી બતાવી છે, જેથી તેમનું શિક્ષણ અટકે નહીં. આ ઘટના પછી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું પડ્યું છે, જે વાલીઓની ચિંતામાં વધારો કરી રહ્યું છે.

વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તાત્કાલિક પગલાં ભર્યા છે. તેમણે વાલીઓને તેમના બાળકોનું LC મેળવવામાં સરળતા રહે અને અન્ય શાળાઓમાં પ્રવેશ મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે. હાલમાં DEO કચેરીના ચાર અધિકારીઓની ટીમ સ્કૂલ પર તૈનાત છે, જે વાલીઓની રજૂઆતો સાંભળી રહી છે અને એડમિશન રદ કરવાથી લઈને અન્ય શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયામાં મદદ કરી રહી છે. વાલીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ ઘટના બની છે અને જ્યાં સુધી સ્કૂલ ફરીથી ક્યારે ખુલશે તેની જાણ નથી, ત્યાં સુધી તેઓ તેમના બાળકોને અહીં ભણાવવા માંગતા નથી. તેઓએ અધિકારીઓને ઝડપથી અન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે પણ વિનંતી કરી છે.

એક તરફ વાલીઓ તેમના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે, ત્યારે બીજી તરફ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ પર વાલીઓને ધમકાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને પત્ર લખીને ધમકી આપી છે કે જો તેઓ સ્કૂલનો વિરોધ કરશે તો તેમના બાળકોને રસ્ટિગેટ કરવામાં આવશે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જે પણ વાલીઓ વિરોધ કરશે, તેમની સામે પગલાં લેવામાં આવશે. આ કૃત્યથી વાલીઓમાં વધુ રોષ ફેલાયો છે અને સમગ્ર મામલો વધુ જટિલ બન્યો છે. આ ઘટનાથી શાળાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે.

સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?

અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.