Kirtidan Gadhvi, Sarkhej Bharti Ashram: ગઈકાલે અમદાવાદના સરખેજ ભારતી આશ્રમમાં ભાદરવા સુદ બીજ અને બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુની 47મી નિર્વાણ તિથિ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાન ગઢવી અને પિયુષ મિસ્ત્રી, તેજદાન ગઢવી, જનક વેગડ, બાલકૃષ્ણ સોની, ઘનશ્યામ પ્રજાપતિ અને વિજયાબેન વાઘેલા સહિતના કલાકારોનો ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દરેક કલાકારો ઉપર રૂપિયાની ઘોર પણ સંતો અને સેવકો દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, ભારતી આશ્રમમાં ગાદીનો વિવાદ થયા પછી પહેલીવાર ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. હરિહરાનંદ બાપુના જણાવ્યા અનુસાર, હવેથી રાબેતા મુજબ પહેલાની જેમ ભારતી આશ્રમમાં સેવાકીય અને ભજનના કાર્યક્રમ યોજાતા રહેશે.
કીર્તિદાન ગઢવીએ સંતવાણીની શરૂઆત કરતા પહેલાં સ્ટેજ પરથી લોકોને કહ્યું કે, સરખેજ ભારતી આશ્રમ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલો છું. આ મારા પરિવારનું એક અંગ અને મારું ઘર છે. મેં અહીં બહુ જ ભજન કર્યા છે. છેલ્લા ભજન કર્યા એ મને હરિહરાનંદબાપુએ યાદ કરાવ્યું કે, બ્રહ્મલીન ભારતી બાપુની તબિયત ખરાબ હતી અને તે વખતે કોરોના પણ હતો. ભારતી બાોપુએ કીધું કે, ભજન નથી કરવા. એટલ મેં કીધું કે, અહીં 15-15 વર્ષથી ભજન કરું છું. ભારતી બાપુએ કહ્યું કે, બધા આને અને... પછી મેં કીધું કે, બાપુ બધા નહીં તમે સાંભળજો અને હું ગાઈશ. અને તે ભજન છેલ્લા કર્યા પછી 10 દિવસ બાદ ભારતી બાપુ બ્રહ્મલીન થઈ ગયા. જો ભજન ના કર્યા હોત તો મને અફસોસ રહી જાત. એવા દિવંગત ભારતી બાપુને વંદન કરું છું.
મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, ભારતી આશ્રમ, સરખેજમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભાવેશભાઈ શાસ્ત્રી દ્વારા ભાગવતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હરિહરાનંદ બાપુના શિષ્ય મુકેશ ભારતી દ્વારા શિવપુરાણનું આયોજન થયું. શિવપુરાણ પછી યોગેશભાઈ બોક્સા (ગઢવી) દ્વારા દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું અને અંતે બાપુના શિષ્ય રાજેશ્વર ભારતી દ્વારા રામકથાનું આયોજન થયું, જેના કારણે આખો શ્રાવણ મહિનો ધમધમતો રહ્યો હતો. આ સાથે, તેમના બ્રહ્મ દાદાગુરુ અવંતિકા ભારતી બાપુની 47મી નિર્વાણ તિથિ નિમિત્તે પણ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભવ્ય ડાયરો પણ સામેલ હતો.
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું કે, તેમના ગુરુદેવ વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી કાર્યક્રમો સ્થગિત હતા અને વિશેષ આયોજનો થતા ન હતા. પરંતુ, ગઈ સાલથી જ્યારે આયોજનની જવાબદારી તેમના હાથમાં આવી, ત્યારે આ વર્ષે તેમણે લઘુરુદ્રનું આયોજન કર્યું. આ ઉપરાંત, એક ભવ્ય સંતવાણીનું પણ આયોજન થયું હતું જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, યોગેશભાઈ બોક્સા (ગઢવી), પિયુષ મિસ્ત્રી, તેજદાન ગઢવી, વિજયાબેન વાઘેલા જેવા અનેક નામાંકિત કલાકારોએ ભાગ લીધો હતો. આ ભવ્ય સંતવાણીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, જેનાથી તેમને ખૂબ જ આનંદ થયો. બાપુએ અંતમાં અવંતિકેશ્વર મહાદેવ અને સદગુરુ બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુને પ્રાર્થના કરી કે આવા કાર્યક્રમો દર વર્ષે થતા રહે.