Ahmedabad: ગુજરાત ઑલિમ્પિક-2036ની યજમાની કરવા સજ્જ, અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમ્સનું સેન્ટર ઑફ એટ્રેક્શન, જુઓ તસવીરો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SOG)ના કુલ 30 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ 'ફ્યુચર મેડાલિસ્ટ' ખેલાડીઓ તૈયાર કરીને મેડલ મશીન બનવા સજ્જ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Jun 2025 05:55 PM (IST)Updated: Sun 22 Jun 2025 05:55 PM (IST)
ahmedabad-news-special-story-on-world-olympic-day-gujarat-ready-to-host-olympics-2036-552574
HIGHLIGHTS
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ મળીને 31 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
  • 20 સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 4 હજાર ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા

World Olympic Day:ગુજરાતનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવું અમદાવાદ શહેર (Ahmedabad) વર્ષ 2036ની ઓલિમ્પિક રમતોનું (Olympic Games 2036) યજમાન શહેર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ને 1 ઓક્ટોબર, 2024ના રોજ ઔપચારિક રીતે લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલીને ઓલિમ્પિક 2036ની યજમાની માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત રાજ્ય અને એમાંય અમદાવાદ શહેરને આ મહાકુંભની યજમાની માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે ગુજરાત સરકારે રમતગમતના વિકાસ માટે મજબૂત નીતિઓ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે. આ સાથે રાજ્યના ઉભરતા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે 2036ના ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાની સંભાવનાઓને મજબૂત બનાવે છે.

રાજ્યભરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ દ્વારા ફ્યુચર મેડાલિસ્ટ તૈયાર કરવાનો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ધ્યેય

ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે.

રાજ્યમાં હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના ૨4 અને તાલુકા કક્ષાના ૬ મળીને કુલ 30 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત આગામી સમયમાં જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 18 મળીને કુલ 31 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે.

નવા બનનારા 31 સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.

કયા કયા જિલ્લાઓમાં સ્થાપાશે નવા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ
અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થનાર છે.

કઈ કઈ રમતોમાં ખેલાડીઓને મળે છે તાલીમ અને માર્ગદર્શન ?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા વોલિબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

ઓલિમ્પિક 2036ની તૈયારીઓ
રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સને અનુરૂપ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Gujrat Sports Infrastructure Development Corporation Ltd.- GSID)ની સ્થાપના કરી છે, જે 6000 કરોડના બજેટ સાથે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે.

આ ઉપરાંત, પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી, અને મણિપુર-ગોધાવીમાં નવી સ્પોર્ટ્સ સુવિધાઓ બનાવવામાં આવશે. જેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ઓલિમ્પિકની 80%થી વધુ રમતો યોજાવા માટે સક્ષમ હશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. 'શક્તિદૂત' જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવિધ રમતોના ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

રાજ્ય સરકારની સ્પોર્ટ્સ સંબંધિત યોજનાના લાભાર્થી અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે તાલીમ મેળવેલા વિવિધ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક 2020 અને પેરિસ ઓલિમ્પિક 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કર્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ

  • તાલીમ અને કોચિંગ સપોર્ટ
  • હાઇપરફોર્મન્સ સેન્ટર
  • સિન્થેટિક એથ્લેટિક ટ્રેક
  • સ્ટ્રેન્થ એન્ડ એન્ડયોરન્સ રૂમ
  • સાયકોલોજી રૂમ
  • સ્ટીમ સોના રૂમ એન્ડ કન્સલ્ટેશન રૂમ
  • હાઇપરફોર્મન્સ જિમ
  • જકુઝી
  • મલ્ટી પર્પઝ હોલ
  • હોસ્ટેલ સુવિધા
  • ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ
  • ચેન્જ રૂમ
  • કલાઇમ્બિંગ વોલ
  • ડોર્મીટરી
  • શૂટિંગ રેન્જ
  • ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ

  • નાણાકીય સહાય
  • શિક્ષણ સુવિધા
  • ડાયટ
  • ટુર્નામેન્ટ એક્સપોઝર
  • હોસ્ટેલ સુવિધા
  • સ્ટાયપેન્ડ
  • અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટ્સ કિટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ
  • પરફોર્મન્સ રિવ્યૂ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ
  • ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ નર્ચરિંગ

કઈ રીતે અમદાવાદ બનશે ઓલિમ્પિક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન ?

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને ઓલિમ્પિકની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે આદર્શ સ્થળ બની શકે છે. આ સ્ટેડિયમની આસપાસ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે, જે 300 એકરમાં ફેલાયેલું હશે અને 10 નવા સ્ટેડિયમોનો સમાવેશ કરશે. આ એન્ક્લેવ 3000 એથ્લેટ્સ માટે ઓલિમ્પિક વિલેજ તરીકે પણ કામ કરશે.
  • સાબરમતી રિવરફ્રન્ટ
    સાબરમતી રિવરફ્રન્ટ હાલ ફેઝ-IIમાં નિર્માણાધીન છે, વોટર સ્પોર્ટ્સ જેવી રમતો માટે રિવરફ્રન્ટ યોગ્ય સ્થળ બની શકે છે. આ રિવરફ્રન્ટ પર ૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનું આયોજન છે, જેમાં વોટર બેરેઝનું નિર્માણ થઈ રહ્યું છે.
  • નારણપુરા ખાતે ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
    અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે, જે ઓલિમ્પિક કક્ષાની વિવિધ રમતોની યજમાની કરવા સજ્જ છે. ટૂંક સમયમાં આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લું મૂકવામાં આવી શકે છે.
  • શહેરી વિકાસ અને પરિવહન
    અમદાવાદનું શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓલિમ્પિકની યજમાની માટે આદર્શ છે. શહેરમાં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને મેટ્રો રેલ સેવાઓ કાર્યરત છે, જે લોકલ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવે છે. આ ઉપરાંત, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પણ આગામી વર્ષોમાં શરૂ થવાની અપેક્ષા છે, જે ઓલિમ્પિક દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સુવિધાજનક બનશે.
  • મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ
    અમદાવાદ અને ગાંધીનગરમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવે ટ્રેક અને સિટી બસ સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસજી હાઈવે પર ૧ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન થયું છે, જે આંબલી, ઘુમા, જોધપુર, શેલા, અને વેજલપુર જેવા વિસ્તારોને જોડશે.
  • સેટેલાઈટ ટાઉન
    અમદાવાદની આસપાસના ૫ નાના શહેરો (કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદ)ને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની યોજના છે, જે ઓલિમ્પિકની તૈયારીઓને વેગ આપશે.

ગુજરાત સરકારની સ્પોર્ટ્સ યોજનાઓ
ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 2016માં ‘સ્પોર્ટ્સ પોલિસી’ રજૂ કરી હતી, જેનું નવીનીકરણ 2023માં કરવામાં આવ્યું. આ નીતિ હેઠળ, રાજ્યમાં ગ્રાસરૂટ લેવલથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના ખેલાડીઓને તાલીમ, શિષ્યવૃત્તિ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ખેલ મહાકુંભ’ - ખેલ મહાકુંભ એ 2010થી શરૂ થયેલી એક મહત્વપૂર્ણ સ્ટેટ લેવલ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે,જે રાજ્યના લાખો યુવાનોને 28થી વધુ રમતોમાં ભાગ લેવાની તક આપે છે. આ કાર્યક્રમમાં ગામડાઓથી લઈને રાજ્ય સ્તર સુધીની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં વિજેતાઓને રોકડ ઈનામો, સ્કોલરશિપ, અને ટ્રેનિંગની તકો મળે છે. 2023-24ના ખેલ મહાકુંભમાં અંદાજિત 50 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે રાજ્યના રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે.

શક્તિદૂત’ યોજના - આ યોજના હેઠળ ખેલાડીઓને આર્થિક સહાય અને નિષ્ણાત તાલીમ આપવામાં આવે છે.